<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

છોટાઉદેપુરમાં હૃદય કંપાવતી ઘટના: પિતાએ 8 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરીને લાશ ખાડામાં ફેંકી

પાવીજેતપુરના સુસ્કાલ ગામની ઘટના : પુત્રની હત્યા બાદ પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો : ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયો : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

છોટાઉદેપુર તા.25 : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાના જ 8 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, સુસ્કાલ ગામ નજીક ઓરસંગ નદીના કિનારે પિતા જયેશભાઈ નાયકા પોતાના 8 વર્ષના પુત્રને લઈ ગયા હતા. ત્યાં તેણે પુત્રનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી.

 

પુત્રની હત્યા બાદ પિતાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

 

પાવીજેતપુર PI એલ.પી. રાણાએ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા આરોપીના પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને પત્ની ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને જતી રહી હતી, જેના કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો અને માનસિક રીતે ડિસ્ટર્બ રહેતો હતો.

 

આ મામલે અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાની ફરિયાદના આધારે પાવીજેતપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:52 PM IST)