તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ટ્રેનની મુસાફરી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો હૃદયસ્પર્શી સંવાદ : બાળકીના પ્રશ્ન પર આપ્યો દેશભક્તિ અને સાદગીનો અદભુત સંદેશ
સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝના યુદ્ધને લીધે સર્જાયેલી ઇંધણ કટોકટી વચ્ચે દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા રાજ્યપાલે હવાઈ સફર ત્યાગી : ટ્રેન, બસ અને સાયકલ વાપરવાની આપી પ્રેરણા

અમદાવાદ: પોતાની અનન્ય સાદગી અને ઉચ્ચ વિચારો માટે જાણીતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ટ્રેનની મુસાફરી દરમિયાન એક નાનકડી બાળકી સાથે થયેલો પ્રેરણાદાયી સંવાદ હાલ ભારે ચર્ચામાં આવ્યો છે. ભરૂચ ખાતે આયોજિત ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થયા બાદ રાજ્યપાલ જ્યારે સામાન્ય નાગરિકની જેમ ટ્રેન માર્ગે અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ હૃદયસ્પર્શી ઘટના ઘટી હતી. જેણે ત્યાં હાજર તમામ મુસાફરોમાં દેશભક્તિ અને આદર્શ નાગરિક તરીકેની ફરજોનો મજબૂત સંદેશ પહોંચાડ્યો હતો.
સફર દરમિયાન એક નાનકડી બાળકી પોતાની નિર્દોષતા સાથે રાજ્યપાલ પાસે પહોંચી ગઈ હતી અને તેમને એક સ્તબ્ધ કરી દેનારો પ્રશ્ન પૂછ્યો હતો. બાળકીએ પૂછ્યું કે, "મારો એક પ્રશ્ન છે. તમે આટલા ઊંચા હોદ્દા પર છો, તો પણ તમે ટ્રેનમાં કેમ મુસાફરી કરી રહ્યા છો?" બાળકીના આ માસૂમ સવાલથી આખી બોગીમાં ઉપસ્થિત અન્ય સહ-યાત્રીઓ અને અધિકારીઓ પણ ક્ષણભર માટે મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
દેશ આર્થિક પડકાર સામે લડતો હોય ત્યારે સાદગી અનિવાર્ય:
આ બાળકીના પ્રશ્નનો જવાબ રાજ્યપાલે વડીલ સહજ ભાવે અત્યંત સ્નેહપૂર્વક આપ્યો હતો જે દરેક ભારતીય માટે માર્ગદર્શક સમાન છે. તેમણે બાળકીને દેશની વર્તમાન વૈશ્વિક સ્થિતિ સમજાવતા કહ્યું કે, "બેટા, આપણા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે, તેને આપણે સૌએ ગંભીરતાથી સમજવું પડશે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ પાસે યુદ્ધની ભયંકર સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે વિદેશથી ભારત આવતા ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આવા સમયે જો આપણે વધુ પડતો ઈંધણનો વપરાશ ચાલુ રાખીશું, તો દેશનું કિંમતી વિદેશી હુંડિયામણ બહાર ચાલ્યું જશે."
જનતાના સહયોગ વિના દેશ મજબૂત ન બની શકે:
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે પણ દેશ કોઈ આર્થિક પડકારનો સામનો કરી રહ્યો હોય, ત્યારે દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણી પ્રથમ ફરજ બને છે કે આપણે રાષ્ટ્રીય સંસાધનોનો વિવેકપૂર્ણ અને મર્યાદિત ઉપયોગ કરીએ. દેશના નાણાં બચે અને તે નાણાં ભારતના વિકાસ કાર્યોમાં કામ આવી શકે તે આશયથી જ મેં રાજ્યમાં મારા પ્રોટોકોલની હવાઈ મુસાફરીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હું હવે ટ્રેન, બસ તથા સાયકલ જેવા પરિવહનનો જ મહત્તમ ઉપયોગ કરું છું. સામાન્ય જનતાના સીધા સહયોગ અને ત્યાગ વિના દેશ ક્યારેય આર્થિક રીતે મજબૂત બની શકે નહીં, એટલે જ હું પણ આ જ સાદગીપૂર્ણ માર્ગ પર આગળ વધી રહ્યો છું. રાજ્યપાલના આ ગંભીર અને રાષ્ટ્રપ્રેમથી સભર શબ્દોમાં માત્ર એક પ્રશ્નનો જવાબ નહોતો, પરંતુ દેશની એકતા અને આર્થિક સુદ્રઢતા માટેની કટિબદ્ધતા દેખાતી હતી, જેણે ટ્રેનમાં સવાર તમામ પ્રવાસીઓના દિલ જીતી લીધા હતા.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
