<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

બોટાદ પંથકમાં હૈયું હાચમચાવતી ઘટના :સગીરા પર નરાધમોએ હેવાનિયત આચરી :અત્યાચારથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

માસૂમ દીકરીના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ

બોટાદ જિલ્લાના રોહિશાળા વાડી વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક 14 વર્ષની માસૂમ સગીરા નરાધમોની હેવાનિયતનો શિકાર બની હોવાનો આક્ષેપ થયો છે. ખેતમજૂરી કરતા પરિવારની આ દીકરી પર થયેલા અત્યાચાર બાદ તેણે આઘાતમાં આવીને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે અને માસૂમ દીકરીના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, રોહિશાળા વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ તે ભારે માનસિક તણાવમાં હતી. હેવાનોના અત્યાચારથી કંટાળીને આખરે તેણે ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ વિધિની વક્રતા જુઓ કે સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

 

દીકરીના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને પરિવારજનો ભાવનગર હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આગેવાનોનો એક જ સુર છે કે, જ્યાં સુધી આ નરાધમોને કડકમાં કડક સજા ન થાય અને દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે. પીડિત પરિવારની હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

ભાવનગર પોલીસ ચોકી દ્વારા આ બનાવની પ્રાથમિક નોંધ કરીને બોટાદ પોલીસને જાણ કરવામાં આવી છે. બોટાદ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા શખ્સો કોણ છે અને તેમણે કઈ રીતે આ કૃત્ય આચર્યું તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

માત્ર 14 વર્ષની વયે એક દીકરીએ દુનિયા છોડવી પડી તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે બનેલી આ ઘટનાથી લોકોમાં ગુસ્સો છે. પીડિત પરિવારે આરોપીઓને કડક ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપે આ નરાધમોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલે છે.

(11:36 PM IST)