News of Tuesday, 7th July 2026
દહેગામના હાલીસા ગામે હૃદયદ્રાવક ઘટના:જીવતો વીજ વાયર માથે પડતા પરણીતાએ જીવ ગુમાવ્યો UGVCLની બેદરકારી સામે લોકોમાં આક્રોશ
વાયરની ઝપેટમાં આવતા પરિણીતાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું:સ્થાનિકોમાં ભારે રોષ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાએ જીવતો વીજ વાયર માથે પડતા પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદ અને પવનના પગલે વૃક્ષ ધરાશાયી થતા નજીકનો વીજ પોલ તૂટી પડ્યો હતો, જેના કારણે જીવંત વાયર રસ્તા પર પડ્યો હતો. આ વાયરની ઝપેટમાં આવતા પરિણીતાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) પર ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે વરસાદી માહોલ હોવા છતાં વીજતંત્ર દ્વારા જાળવણીમાં બેદરકારી રાખવામાં આવી હતી. જો સમયસર તૂટેલા વીજ પોલ કે વાયર અંગે તપાસ કરવામાં આવી હોત તો આજે એક માસૂમ મહિલાએ પોતાનો જીવ ગુમાવવો ન પડત. સ્થાનિકોએ આ સમગ્ર મામલે તંત્રની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
એક તરફ વરસાદી સિઝનમાં વીજતંત્રને પહેલેથી જ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવતી હોય છે, ત્યારે હાલીસા ગામની આ ઘટનાએ સિસ્ટમની પોલ ખોલી દીધી છે. જીવતો વીજવાયર રસ્તા પર હોવા છતાં તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો ન હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. હાલમાં પરિણીતાના મોતને લઈને પરિવારમાં માતમ છવાયેલો છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરીને મૃતકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વહીવટી લાપરવાહીને ઉજાગર કરી દીધી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
