<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

સુરતમાં હૃદયદ્રાવક ઘટના: અલથાણ ટેનામેન્ટમાં ચોથા માળેથી પટકાતાં ૧ વર્ષના બાળકનું કરૂણમોત :પરિવારમાં શોકનું મોજું

ગંભીર હાલતમાં તુરંત હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો:કરુણ ઘટનાના CCTV દૃશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોક

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અલથાણ ટેનામેન્ટના D-2 બ્લોકના ફ્લેટ નંબર 404 માં રહેતા જયદીપભાઈ વાજાનો 1 વર્ષનો વહાલસોયો પુત્ર 'અંશ' પોતાના જ ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવાને કારણે માસૂમ બાળક ચોથા માળેથી નીચે પટકાયો હતો.

બાળક ગેલેરીમાંથી નીચે પટકાતા જ આસપાસના રહીશોમાં ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ગંભીર હાલતમાં માસૂમ અંશને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના આ મુખેથી આવેલા શબ્દો સાંભળીને માતા-પિતા સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ આખી હૃદયદ્રાવક ઘટના ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સામે આવ્યા બાદ જોવાવાળાના પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. મૂળ અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારના વતની અને હાલ સુરતમાં રહેતા વાજા પરિવારના એકાંતિક પુત્રના અકાળે થયેલા અવસાનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

(8:10 PM IST)