<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

વડોદરામાં ભ્રષ્ટાચારનો 'ગરમાવો' કે કુદરતી પ્રકોપ? નવા નકોર રસ્તા પર ડામર ઓગળતા વાહનચાલકોને હાલાકી

મકરપુરા ડેપો પાછળ, અલકાપુરીમાં એક્સપ્રેસ હોટેલથી એન્જોય રેસ્ટોરન્ટ અને સંગમ ચાર રસ્તા પાસે ડામર ઓગળ્યો; કમિશનરે તપાસના આદેશ આપ્યા, કોન્ટ્રાક્ટરોને નોટિસ

વડોદરા, તા.17 : વડોદરા શહેરમાં ભારે ગરમી વચ્ચે નવા બનેલા રસ્તાઓ પર ડામર ઓગળવાની ઘટનાઓ સામે આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મકરપુરા ડેપો પાછળ, અલકાપુરી વિસ્તારમાં એક્સપ્રેસ હોટેલથી એન્જોય રેસ્ટોરન્ટ સુધીના રસ્તા પર અને સંગમ ચાર રસ્તા પાસે ડામર ઓગળી જતા વાહનો ફસાઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ચર્ચા છે કે આ ‘ગરમાવો’ કુદરતી છે કે ભ્રષ્ટાચારનો.

 

આ ઘટનાને ગંભીરતાથી લેતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. સમીક્ષા બેઠકમાં કમિશનરે સ્પષ્ટ કર્યું કે આવા બનાવો રાજસ્થાન જેવા રાજ્યોમાં કેમ નથી બનતા, જો મામલો માત્ર ટેકનિકલ હોય. તેમણે જણાવ્યું કે શહેરમાં લગભગ 10 જગ્યાએ ડામર ઓગળવાની ફરિયાદો મળી છે.

 

કમિશનરે તાત્કાલિક અસરથી ડામર ઓગળ્યો હોય ત્યાં રેતી છાંટવાનો આદેશ આપ્યો છે. સાથે જ ત્રણેય રસ્તાના કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી દંડ વસૂલવા અને અસરગ્રસ્ત રસ્તાઓ પરથી ડામરના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ કોન્ટ્રાક્ટરને શંકાનો લાભ આપવામાં આવશે નહીં.

 

VMC દ્વારા અગાઉ પણ રસ્તાના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના આક્ષેપો થયા છે. કમિશનરે સ્વીકાર્યું કે પાંચ વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ હોવા છતાં કોન્ટ્રાક્ટરો કોલ્ડ મિક્સ ભરીને રોલર પણ યોગ્ય રીતે ફેરવતા નથી. VMCએ હવે 11 ડેપ્યુટી ઈજનેરોને નોટિસ ફટકારી છે અને તેઓ કોન્ટ્રાક્ટરો પાસેથી દંડ વસૂલશે. ત્રણ વખત બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરાશે.

 

લાંબાગાળાના ઉકેલ માટે IIT રૂરકીની હાઈડ્રોલોજી ટીમ વડોદરાની મુલાકાત લેશે અને Tata Projects, L&T અને IRB જેવી કંપનીઓ પાસેથી RCC રોડ માટે સલાહ લેવાશે.

(4:32 PM IST)