<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગરમીએ ભારે કરી.. મતદારોને કાઢવામાં ઉમેદવારો અને કાર્યકરોને પરસેવો પડયો

સવારે ૧૧ વાગ્‍યા બાદ આકરા તાપને કારણે મતદાન પર અસર : ઉમેદવારો, પક્ષોએ પણ સાંજે ૪ વાગ્‍યા સુધી રાહ જોવી પડી

અમદાવાદ,તા.૨૭: ઉનાળાની આકરી ગરમી વચ્‍ચે રવિવારે લોકશાહીના પર્વની ઉજવણી થઇ હતી. દરમિયાન બપોરે મતદાનની ટકાવારી પર સીધી અસર થઇ હતી. એટલું જ નહીં, બપોરે ૧૧ વાગ્‍યાથી સાંજે ૪ વાગ્‍યા સુધી મતદારોને કાઢવામાં તો ઉમેદવારો અને પક્ષોને રીતસરનો પરસેવો પડી ગયો હતો. સવારે ૭થી ૯, સવારે ૯થી ૧૧ અને પછી મતદાનની ઘટેલી ટકાવારીએ ગરમીને કારણે થયેલી અસરની

સાબિતી પૂરી પાડી હતી. સૂરજદાદા અગનગોળા વરસાદી રહ્યા હોય શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ગરમીનો પારો છેલ્‍લા એક અઠવાડિયામાં ઊંચે ચઢ્‍યો હતો. અને રવિવારે પણ આકરી ગરમી યથાવત રહી હતી. એટલું જ નહીં, બપોરે ૧૨થી ૪ વાગ્‍યા સુધી તો ગરમ પવનોને કારણે લૂ લાગે એવી સ્‍થિતિનું નિર્માણ થયું હતું. આકરી ગરમીને કારણે મતદાન પર અસર થશે એવું સ્‍પષ્ટ માનવામાં આવતું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે ૭થી ૯ વાગ્‍યા સુધીમાં ૬.૮૯ ટકા અને પછી ૧૧ વાગ્‍યા સુધીમાં તે ટકાવારી ઉછળીને ૧૯.૪૩ ટકાએ પહોંચી હતી. જોકે, બાદમાં ટકાવારીમાં ઘટાડો દેખાયો હતો. બપોરે ૧ વાગ્‍યા સુધી ૩૨.૭૨ ટકાએ મતદાન પહોંચ્‍યું હતું. બપોરે ૧૧ વાગ્‍યાથી સાંજે ૪ વાગ્‍યા સુધી તો ગરમીને કારણે અનેક મતદાન મથકો પર કોઇ કતાર કે ભીડ દેખાઈ ન હતી. આકરી ગરમી હોવાથી ઉમેદવારો અને પક્ષોએ પણ સોસાયટી, વોર્ડ, વિસ્‍તારના આગેવાનોને ઝડપથી મતદારો બહાર નીકળે અને મતદાન કરે તે માટે જોર કરવાનો વારો આવ્‍યો હતો. તેમ છતાં કેટલાક વિસ્‍તારોમાં ધારણાં પ્રમાણે સફળતા મળી ન હતી.

(10:39 AM IST)