News of Thursday, 30th April 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર: રાજકોટ 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ
અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં 42.01, વડોદરા-ડીસામાં 40.02 ડિગ્રી અને ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ :રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ, રાજ્યના 6 મુખ્ય શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ જણાય છે. રાજકોટ 43 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી હોટ (Hottest City) શહેર નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા મોઢે રૂમાલ બાંધીને નીકળતા જોવા મળી રહ્યા છે.
માત્ર રાજકોટ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સ્થિતિ ગંભીર છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રી નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમરેલીમાં 42.01 ડિગ્રી, જ્યારે વડોદરા અને ડીસામાં 40.02 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, ભાવનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાઈ ઉઠ્યા છે.
હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં ગરમીના પારામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જો આ આગાહી સાચી ઠરશે, તો કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળી શકે તેમ છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા જેવી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
