તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
ચૂંટણીના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા:અમદાવાદમાં મતદાનના દિવસે ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ રહ્યો છે અને હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ અત્યંત ગરમ રહેશે અને સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળશે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે આગામી 48 કલાક બાદ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે.
રાજ્યમાં અત્યારથી જ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમરેલી જિલ્લો રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર સાબિત થયો છે, જ્યાં પારો 41.1 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકો અસહ્ય બફારો અને ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ હશે, ત્યારે કુદરત પણ આકરી કસોટી કરી શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ચૂંટણીના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં મતદાનના દિવસે ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે મતદારોએ ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવી પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો સૂકા અને ગરમ હોવાથી લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવું જોખમી બની શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ગરમીની સાથે સાથે ભેજવાળા વાતાવરણને કારણે થતા બફારાનો પણ સામનો કરવો પડશે.
ગરમીના આ વધતા પારા વચ્ચે આરોગ્ય વિભાગે લોકોને વધુમાં વધુ પાણી પીવા અને કામ વગર બપોરના તડકામાં ન નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ હીટ સ્ટ્રોકથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચૂંટણીના દિવસે લાંબી લાઈનોમાં ઉભા રહેતી વખતે છત્રી, ટોપી અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે જેથી કરીને સ્વાસ્થ્ય જળવાઈ રહે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
