News of Tuesday, 14th April 2026
ભારે કરી : કવાંટમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારને શૌચાલય છે કે નહીં તે જોવા ચૂંટણી અધિકારીએ દોડવું પડ્યું
નાખલ બેઠક પર 'આપ' ના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાનો આક્ષેપ કરીને ભાજપે ફોર્મ રદ કરવાની માંગ કરી :ચૂંટણી અધિકારીએ સ્થળ તપાસ બાદ ફોર્મ માન્ય રાખતા ભાજપના છાવણીમાં ભારે રોષ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લાની નાખલ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો વિવાદ સર્જાયો છે. ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપનો આરોપ છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારના ઘરે શૌચાલયની સુવિધા નથી, જેના કારણે તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવું જોઈએ. આ બાબતને લઈને બંને પક્ષોના કાર્યકરોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
આ વિવાદ વધુ વકરતા ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલાની ગંભીરતા સમજીને પોતે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. અધિકારીએ કરેલી તપાસ દરમિયાન ઉમેદવારના રહેણાંક વિસ્તારમાં શૌચાલય મળી આવ્યું હતું, જેના આધારે ચૂંટણી તંત્રએ 'આપ' ના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના સમાચાર મળતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતાઓએ તંત્રની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
