તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ :તમામ શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર
મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે અને સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ શરૂ

નવસારી જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તીવ્ર આગાહીને પગલે સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે અને સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લામાં ભારે વરસાદની ગંભીર ચેતવણીને પગલે સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા નવસારીના જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ તમામ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી બંને પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને સમાન રીતે લાગુ પડશે, જેથી કોઈ પણ વિદ્યાર્થીને ભારે વરસાદમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
નવસારી જિલ્લા કલેક્ટરે તેમના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ નિર્ણય અંગેની સત્તાવાર માહિતી નાગરિકો સાથે શેર કરી હતી. તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સાવચેત રહે તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું કડકપણે પાલન કરે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
