News of Friday, 17th April 2026
ગુજરાતમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી: અંબાલાલ પટેલ અને IMD દ્વારા એલર્ટ રહેવા ચેતવણી
અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા; 40°થી વધુ ગરમી વચ્ચે ખેડૂતોને પાક સાચવવા અપીલ

ગાંધીનગર, તા.17 : ગુજરાતમાં હાલ અસહ્ય ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે ત્યારે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરી છે. પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ યુપીથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્તરેલી ટ્રફ સિસ્ટમની અસર હેઠળ રાજ્યનું હવામાન પલટાશે. 15 એપ્રિલની રાત્રિથી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર પર સક્રિય થનારું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના હવામાનને અસર કરશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 20 એપ્રિલે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 એપ્રિલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે અને 15 થી 18 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને જૂનાગઢમાં પણ 42 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કરા પડવાની પણ શક્યતા છે.
માવઠાને કારણે ઉનાળુ પાકો, ખાસ કરીને ડુંગળી, ઘઉં, જીરું અને માર્કેટયાર્ડમાં પડેલા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત રહેવા અને પાક ઢાંકી દેવા અપીલ કરી છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે માવઠું ઉનાળુ પાક અને સંગ્રહિત ઉત્પાદનને અસર કરી શકે છે તેમજ મોસમી બીમારીઓનું જોખમ વધી શકે છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
