News of Monday, 27th July 2026
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી: અમદાવાદ, સુરેન્દ્રનગર સહીત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અચાનક આવનારા તોફાની પવન અને વરસાદને કારણે વાહનચાલકો તથા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક નવું નાઉકાસ્ટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ અને ભારે વરસાદી માનવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના કુલ 16 જિલ્લાઓમાં મેઘરાજા વિજળીના કડાકા-ભડાકા સાથે તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા રાજ્યના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ , મહેસાણા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટની યાદીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી એલર્ટ જાહેર કરાયું છે. દાદરા અને નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
વરસાદી આગાહીની સાથે સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદની સાથે ભારે ગાજવીજ થશે અને પ્રતિ કલાક 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અચાનક આવનારા આ તોફાની પવન અને વરસાદને કારણે વાહનચાલકો તથા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ઈમરજન્સી સેવાઓ અને સ્થાનિક કંટ્રોલ રૂમને સતર્ક કરી દેવાયા છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
