<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ અને ગાજવીજની સાવચેતીના પગલે તા. ૨૪ જુલાઈના રોજ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર

નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે : બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટી તંત્રની અપીલ

અશ્વિનકુમાર વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલી હવામાનની તાજી આગાહી મુજબ ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, કડાકા-ભડાકા સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે આવતીકાલે એટલે કે ૨૪ જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ:

વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ૨૪ જુલાઈના રોજ ગાંધીનગર જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) તેમજ સ્વનિર્ભર (પ્રાઈવેટ) તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટી તંત્રનો અનુરોધ:

વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાની શક્યતાઓને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજળીના થાંભલાઓથી દૂર રહેવા, વરસાદ સમયે વૃક્ષો નીચે ઉભા ન રહેવા તેમજ કોઈપણ પ્રકારની આફત કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

(5:08 PM IST)