<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

મહીસાગર અને વડોદરામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદઃ વીજ પુરઠો ખોરવાયો

હવામાન ખાતાની આગાહી વચ્‍ચે ગુજરાતના હવામાનમાં પલટોઃ મધ્‍ય ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને રાહત મળી છે. ગત મધરાતે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. જેના પગલે તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
 
વડોદરા શહેર અને જિલ્લામાં પણ મોડી રાતે વાતાવરણ એકાએક પલટાયું હતું અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે શહેરીજનોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી.
બીજી તરફ, મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રે કુદરતનો મિજાજ બદલાયો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
 
ભારે પવન અને વાવાઝોડાના કારણે મહીસાગર જિલ્લામાં વ્યાપક નુકસાનના અહેવાલો છે. કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર એક વિશાળ ઝાડ રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાને પગલે રસ્તા પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો હતો અને વહેલી સવાર સુધી વાહનચાલકો અટવાયા હતા.
 
ચોમાસા પહેલા લાઈનોની મરામતનો દાવો કરતી વીજ કંપની MGVCLની પોલ આ પહેલા જ વરસાદમાં ખૂલી ગઈ છે. કડાકા-ભડાકા સાથેના ભારે વાવાઝોડામાં અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. પવન ફૂંકાતાની સાથે જ વીજળી ગુલ થઈ જતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો રોષ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો.

(1:14 PM IST)