<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વલસાડ જિલ્લાના કપરાડા, પારડી અને નાનાપોન્ધા પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો

આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થતાં જનતાને મોટી રાહત મળી

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયની રાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર પ્રારંભ કર્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા, પારડી તેમજ નાનાપોન્ધા સહિતના ગ્રામીણ અને તાલુકા મથકોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં લોકો આકરા તડકા, અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, સોમવારના રોજ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થતાં જનતાને મોટી રાહત મળી છે. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.

 

વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત વહેલી થતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો લગભગ વરસાદ વગરનો એટલે કે કોરો રહેતા ધરતીપુત્રો ઊંડી ચિંતામાં મુકાયા હતા. વલસાડ જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક કે ખેતીલાયક પૂરતો વરસાદ ન થયો હોવાથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. ત્યારે સોમવારની વહેલી સવારથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે જગતના તાતના ચહેરા પર ફરી એકવાર સ્મિત આવી ગયું છે.

(7:21 PM IST)