તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
અમદાવાદમાં ભારે વરસાદથી બોપલ, ઘુમા અને શેલા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
શેલામાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો: કેટલીક કાર પાણીમાં ફસાઈ ગઈ: ફાયર ટીમને બોલાવવી પડી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના બોપલ, ઘુમા અને શેલા સહિતના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ શેલા વિસ્તાર જળબંબાકાર બન્યો હતો, જ્યાં પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
રવિવારે રાત્રે 8 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ગણતરીના સમયમાં જ શેલા વિસ્તારમાં આવેલા ક્લબ ઓ સેવન રોડ પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આ રોડ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે કેટલીક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી.
પાણીમાં ફસાયેલા એક પરિવારને મદદ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને એક ગાડી ફસાયાનો સંદેશ મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડિવાઈડરથી નીચે ભરાયેલા ઢીંચણસમા પાણીમાંથી પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકના શોપિંગ સેન્ટરમાં પહોંચાડ્યો હતો. જોકે, ફાયર વિભાગને અન્ય કોઈ વાહન ફસાયાનો ફોન આવ્યો ન હતો.
ઘટના બાદ સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે, આ સમસ્યા ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. અનેક રજૂઆતો છતાં પણ પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વરસાદ શરૂ થાય એટલે લોકો ગભરાઈ જાય છે કે ઘરે કઈ રીતે પહોંચવું. તેમણે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, તેમનું ઘર એક કિલોમીટર દૂર હોવા છતાં, તેમનો બીમાર બાળક ઘરે પહોંચાડવા માટે કોઈ રેસ્ક્યુ ટીમ પહોંચી નહોતી. અંતે, તેઓ જાતે જ ભીના થઈને બાળકને પાણીમાંથી ઘરે લઈ ગયા. તેમના પત્ની અને માતા હજુ પણ પાણીમાં ફસાયેલી ગાડી પાસે ઉભા છે. આ હાલત શેલા વિસ્તારની છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
