<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

આણંદ જિલ્લામાં મેઘો અનરાધાર વરસ્યો :પેટલાદ ,આંકલાવ, બોરસાદ અને સોજીત્રા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત: લાંબા સમય બાદ વરસેલા વરસાદથી ચરોતરના ધરતીપુત્રોમાં ભારે આનંદ

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પેટલાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના આગમનને પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં અચાનક ભારે ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. સ્થાનિક લોકોએ ગુલાબી ઠંડકનો અહેસાસ કરતા ગરમીમાંથી મુક્તિ મેળવી છે. વરસાદને પગલે સમગ્ર પેટલાદ પંથકનું વાતાવરણ આહલાદક અને રોમાંચક બની ગયું છે.

 

બીજી તરફ, આ ધોધમાર વરસાદે પેટલાદ શહેરના સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. અચાનક શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બજારોમાં ખરીદી કરવા નીકળેલા લોકો વરસાદમાં અટવાઈ પડ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

 

 

આ વરસાદ માત્ર પેટલાદ પૂરતો મર્યાદિત રહ્યો નથી. પેટલાદની સાથે-સાથે પાડોશી તાલુકાઓ એવા આંકલાવ, બોરસાદ અને સોજીત્રા વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ સમગ્ર ચરોતર પંથકમાં મેઘમહેર થતાં સૌથી વધુ ખુશી ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે. ખેડૂતોના મતે આ વરસાદ ડાંગર અને અન્ય ખરીફ પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે.

(2:09 PM IST)