News of Sunday, 2nd August 2026
નર્મદામાં ભારે વરસાદનો કહેરઃ ખાડીના પૂરમાં ૨ મુખ્ય માર્ગો ધોવાયા, પુલ અને ડાયવર્ઝન તૂટતાં વાહનવ્યવહાર ખોરવાયો
જીવના જોખમે રસ્તો ઓળંગી રહ્યા છે સ્થાનિકો, તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

નર્મદા: નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ખાડીઓ અને નાળાઓમાં આવેલા પૂરથી અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પૂરનાં ધસમસતા પાણીના પ્રવાહ સામે જિલ્લાના બે મુખ્ય માર્ગો ટકી શક્યા નથી અને ભારે ધોવાણને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. માર્ગો બંધ થતાં અનેક ગામોનો સંપર્ક અસરગ્રસ્ત બન્યો છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે ખડગદા ગામથી ડેકાઈ તરફ જતો મુખ્ય પુલ બંને છેડેથી ધોવાઈ ગયો છે. બીજી તરફ, ઝરીયા નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ પૂરના જોરદાર પ્રવાહમાં તૂટી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. બંને સ્થળોએ માર્ગ વ્યવસ્થા ખોરવાતા ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
માર્ગો બંધ હોવા છતાં વિકલ્પના અભાવે સ્થાનિક નાગરિકો અને બાઈકચાલકો જીવના જોખમે ધોવાયેલા રસ્તાઓ અને પુલ પરથી પસાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આવા જોખમી દૃશ્યોના વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો પૂરનાં પાણી વચ્ચે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા પ્રશાસન પાસે તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત માર્ગો અને પુલનું સમારકામ શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ઉભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી લોકોને અનાવશ્યક જોખમ લેવું ન પડે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંબંધિત વિભાગોને સ્થળ પર મોકલી નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે અને વરસાદની સ્થિતિ સામાન્ય થતાં માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
