<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો : એક મહિના સુધી તમામ તારીખોમાં લાંબુ વેઈટિંગ : 20 ડબ્બા પણ ટૂંકા પડ્યા

સમય બચાવવા મુસાફરોની પહેલી પસંદ બનેલી ટ્રેનમાં ટિકિટ મેળવવી મુશ્કેલ : રેલવેની સ્પષ્ટતા - છેલ્લી મર્યાદા સુધી કોચ વધારવા છતાં ભીડ યથાવત : 2 મહિના અગાઉ બુકિંગ કરાવવા સલાહ

 ગાંધીનગર:  ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી દેશની હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનમાં ટિકિટ મેળવવા માટે મુસાફરોએ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મુસાફરો તરફથી ટિકિટ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેને પગલે રેલવે વિભાગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. મુસાફરોની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ આ ટ્રેનની ક્ષમતા વધારીને 20 ડબ્બાની કરી દીધી છે, તેમ છતાં આગામી એક મહિના સુધીની તમામ તારીખોમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

 ઝડપી મુસાફરીને કારણે ટ્રેન બની લોકપ્રિય

વંદે ભારત ટ્રેન લોકપ્રિય થવાનું મુખ્ય કારણ તેનો ઓછો સમય છે. આ ટ્રેન ગાંધીનગરથી સુરત સુધીનું અંતર માત્ર 3 કલાકમાં પૂરું કરે છે. અન્ય કોઈ પણ ટ્રેન આટલી ઝડપથી મુસાફરોને મુંબઈ કે સુરત પહોંચાડતી નથી. સમયની બચત થતી હોવાથી બિઝનેસમેન અને નિયમિત મુસાફરોની આ પહેલી પસંદ બની છે. રેલવે વિભાગે જણાવ્યું છે કે મુસાફરોનો ધસારો એટલો છે કે હવે આ ટ્રેનમાં ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે.

 કોચની સંખ્યા વધારીને 20 કરાઈ

રેલવેએ મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 6 મહિના પહેલા જ ટ્રેનમાં મહત્વનો ફેરફાર કર્યો હતો. અગાઉ આ ટ્રેન 16 ડબ્બા સાથે દોડતી હતી, જેમાં વધારો કરીને 20 ડબ્બા કરવામાં આવ્યા છે. રેલવેના જણાવ્યા મુજબ, 20 ડબ્બા એ આ ટ્રેન માટેની છેલ્લી મર્યાદા છે, એટલે કે હવે તેમાં વધુ ડબ્બા ઉમેરવા ટેકનિકલી શક્ય નથી. મહત્તમ ક્ષમતા સાથે ટ્રેન દોડતી હોવા છતાં મુસાફરોનો પ્રવાહ ઘટવાનું નામ નથી લઈ રહ્યો.

 રેલવેની મુસાફરોને અપીલ

વર્તમાન પરિસ્થિતિને જોતા રેલવે વિભાગે મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે જો તેઓ વંદે ભારતમાં મુસાફરી કરવા માંગતા હોય, તો ટિકિટની અછતથી બચવા માટે ઓછામાં ઓછા 2 મહિના અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવી લેવું જોઈએ. છેલ્લી ઘડીએ ટિકિટ મળવી લગભગ અશક્ય છે, કારણ કે વેઈટિંગ લિસ્ટ ખૂબ જ લાંબુ હોવાથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા પણ નહિવત રહે છે. અત્યારે હાલત એવી છે કે એક મહિના સુધીની મુસાફરી માટે કોઈ સીટ ખાલી નથી.

(11:28 AM IST)