<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

દાહોદમાં ભારે વાવાઝોડું: સ્માર્ટ સિટીનું સાઈન બોર્ડ પડતાં બે લોકોના કમકમાટીભર્યા મોત

દાહોદ જિલ્લામાં અચાનક આવેલા ભારે વાવાઝોડા અને મિની વાવાઝોડા જેવા પ્રચંડ પવને ભારે તબાહી મચાવી:દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ફૂંકાયેલા જોરદાર પવન

દાહોદ જિલ્લામાં અચાનક આવેલા ભારે વાવાઝોડા અને મિની વાવાઝોડા જેવા પ્રચંડ પવને ભારે તબાહી મચાવી છે. દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ફૂંકાયેલા જોરદાર પવનના કારણે ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું એક મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થયું હતું. આ ભારેખમ બોર્ડ નીચે ઉભેલા લોકો પર પડતાં 2 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દાહોદ જિલ્લાને વાવાઝોડાએ બાનમાં લીધું હતું, જેના કારણે ઠેર-ઠેર નુકસાનીના અહેવાલો સામે આવ્યા છે. ગરબાડા ચોકડી પાસે સ્માર્ટ સિટીનું તોતિંગ સાઇન બોર્ડ પવનના જોરદાર વેગના કારણે ઉડીને ફંગોળાયું હતું અને ત્યાં હાજર લોકો પર માથે પડ્યું હતું. આ ઉપરાંત, નગરપાલિકા દ્વારા ઊભો કરવામાં આવેલો પતરાનો આખો શેડ પણ પત્તાની મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયો હતો. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે હાઈવે અને આંતરિક રસ્તાઓ પર અનેક મહાકાય વૃક્ષો અને વીજપોલ તૂટી પડ્યા હતા, જેને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

 

આ ઘાતક દુર્ઘટનાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કામોમાં થતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી દીધી છે. સ્થાનિકોના આક્રોશ મુજબ, આટલું મહાકાય અને વજનદાર લોખંડનું સાઇન બોર્ડ અત્યંત પાતળી સાઇઝના નટ-બોલ્ટ ઉપર ઊભું કરવામાં આવ્યું હતું. તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારીના કારણે જ પવનના સામાન્ય ઝટકામાં બોર્ડ ધરાશાયી થયું અને બે નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હાલમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. 

(11:06 PM IST)