<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સુરતના લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં ચાઈનીઝ ફૂડની આડમાં હેરોઈનનો વેપલો:નેપાળી યુવક અને ડ્રગ સપ્લાયરની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી નેપાળી યુવક તેમજ મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યા:1.48 લાખ રૂપિયાનો માદક પદાર્થ અને 1 લાખ રોકડા અને મોબાઈલ જપ્ત

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં ચાલતા એક ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અહીં એક શાતિર શખ્સ ચાઈનીઝ ફૂડ વેચવાના બહાને હેરોઈનનો ખુલ્લેઆમ વેપલો ચલાવી રહ્યો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી નશાના આ ગેરકાયદેસર ધંધા પર તરાપ મારી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં સમગ્ર કાવતરું ઉઘાડું પાડી દીધું હતું.

પોલીસ ટીમે ઘટનાસ્થળેથી મૂળ નેપાળી યુવક ભુપેન્દ્ર ઉર્ફે વિશાલ જૈસિંગ સુનાર સોનીને ઝડપી લીધો હતો. આ શખ્સ ખાણીપીણીના સ્ટોલ પર આવતા ગ્રાહકોને નશીલો પદાર્થ પહોંચાડતો હતો. તેની કડક પૂછપરછમાં ડ્રગ્સ પૂરું પાડનાર મુખ્ય સાથીદારનું નામ સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તાબડતોબ કાર્યવાહી કરીને ડ્રગ સપ્લાયર સંદીપ પંડિત સોનવણેને પણ સકંજામાં લઈ લીધો હતો. બંને આરોપીઓ પાસેથી 1.48 લાખ રૂપિયાનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે.

 

ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ સપ્લાયર સંદીપના ઘરે પણ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન તેના ઘરમાંથી 6.260 ગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરમાંથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ શંકાસ્પદ વ્યવહારો ધરાવતા 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. આરોપીઓ ઘણા સમયથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ આસાનીથી યુવાનોને પોતાના શિકાર બનાવતા હતા.

 

 

મહત્વનું છે કે, પોલીસ તપાસમાં આ નશા કૌભાંડનું કનેક્શન બહાર આવ્યું છે. સંદીપ આ નશાનો જથ્થો વરાછા વિસ્તારના અફઝલ પાસેથી ખરીદતો હતો. માલની હેરાફેરી માટે ચંદુ નામના વચેટીયાની મદદ લેવામાં આવતી હતી. આ વચેટીયો અફઝલ પાસેથી હેરોઈન લાવીને સંદીપ સુધી પહોંચાડતો હતો. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ચેઈન તોડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર થઈ ગયેલા અન્ય સાથીદારોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(1:17 PM IST)