તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 12th September 2026
અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને હાઇકોર્ટની લીલી ઝંડી
અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટ સામેની તમામ અરજીઓને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દઈને પ્રોજેક્ટને લીલી ઝંડી આપી

યાત્રાધામ અંબાજીના કાયાકલ્પ માટે આકાર પામી રહેલા અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરના નિર્માણ સામે રજૂ કરવામાં આવેલી તમામ વિરોધ અરજીઓને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દઈને પ્રોજેક્ટને આખરી લીલી ઝંડી આપી દીધી છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત જમીન સરકારી છે અને પ્રોજેક્ટ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે દખલગીરી કરવાનો અદાલતે ઇનકાર કર્યો છે. હાઇકોર્ટના આ હુકમથી કોરિડોર પ્રોજેક્ટ સામેના તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.અદાલતે પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં નોંધ્યું હતું કે અંબાજી ધામે આવતા કરોડો શ્રદ્ધાળુઓ અને દર્શાનાર્થીઓની સુવિધા તેમજ વ્યાપક હિત માટે આ શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત જરૂરી અને સમયસરનો છે.
આ કોરિડોર બનવાથી યાત્રિકોને ગબ્બર અને અંબાજી મંદિર વિસ્તારમાં સુગમ દર્શન, સુવિધાસભર માર્ગો અને વૈશ્વિક કક્ષાની સવલતો ઉપલબ્ધ બનશે.ઉલ્લેખનીય છે કે અંબાજી શક્તિ કોરિડોર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હાઇકોર્ટના આ ચુકાદાથી અંબાજી અને ગબ્બરના પ્રવાસીય તેમજ સુવિધાસભર વિકાસના કામોને અભૂતપૂર્વ બળ મળશે અને હવે નિર્માણ કાર્ય વધુ ઝડપી અને સુચારૂ બનશે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
