News of Wednesday, 7th October 2026
હાઈકોર્ટના ચુકાદાઓ પર હવે ટાઇમ-બાઉન્ડ એક્શન : ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP
અદાલતી અવમાનનાની સ્થિતિ ટાળવા પર ભાર : ચુકાદાના અમલમાં બિનજરૂરી વિલંબ કરનાર અધિકારીઓ સામે નક્કી થશે કડક જવાબદારી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક વિશેષ Standard Operating Procedure (SOP) નક્કી કરવામાં આવી છે, જેના હેઠળ અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ એસઓપીનો મુખ્ય હેતુ ચુકાદાઓના અમલમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવવાનો અને 'કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ' એટલે કે અદાલતી અવમાનનાની નોબત આવતી રોકવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી હર્ષ સંઘવી તથા કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી આ વ્યવસ્થામાં હાઈકોર્ટના ચુકાદા બાદ વિભાગો સમક્ષ ઉપલબ્ધ વિકલ્પો અને તેમની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. કાયદા વિભાગના પરિપત્ર મુજબ, જો સંબંધિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. પરંતુ જો વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં અપીલની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આ માટે ૨૯ જૂન ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજોને 'ઈ-સરકાર' પ્રણાલીમાં સ્પષ્ટ હાઈપરલિંક સાથે અપલોડ કરવાના રહેશે. ઉપરાંત, સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિતની જરૂરી વિગતો રજૂ કરવાની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતો વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કિસ્સામાં સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો લાગુ નિયમો અનુસાર તેમની સામે જરૂરી કાનૂની અને શિસ્ત વિષયક કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત વિભાગના વડાની રહેશે.
વ્યવહારુ કારણોસર કે રેકોર્ડની અપ્રાપ્યતા જેવા સંજોગોમાં જો હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ 'Miscellaneous Civil Application for Time Extension' દાખલ કરીને વધારાનો સમય માંગવાનો રહેશે. આ નવી SOPથી હાઈકોર્ટના આદેશો બાદ અમલ, અપીલ અથવા સમયવધારો મેળવવા અંગેની તમામ પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ વહીવટી માર્ગ નક્કી થયો છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
