તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
હાઈકોર્ટનો સંવેદનશીલ ચુકાદો;કચ્છ અને સાબરકાંઠાની બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાતની મંજૂરી આપી
હિંમતનગર અને ગાંધીધામની હોસ્પિટલમાં તબીબી પેનલની દેખરેખ હેઠળ પ્રક્રિયા થશે. ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે તો તેની જવાબદારી સરકાર ઉઠાવશે તેમ કોર્ટે જણાવ્યું .

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત સંવેદનશીલ મામલામાં માનવીય અભિગમ અપનાવતા બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કચ્છ (Kutch) અને સાબરકાંઠા જિલ્લાની આ બે સગીરાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે તબીબી નિષ્ણાતોની એક ખાસ પેનલની રચના કરવામાં આવી હતી.
સાબરકાંઠાના કેસમાં 16 વર્ષીય સગીરા 26 સપ્તાહના ગર્ભ થી પીડિત હતી, જે અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાના ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેના પર સુનાવણી બાદ કોર્ટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબોની દેખરેખ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, કચ્છની 17 વર્ષીય સગીરા 16 સપ્તાહના ગર્ભથી પીડિત હતી. તપાસ દરમિયાન સગીરામાં લોહીની ઉણપ જોવા મળી હતી. તમામ તબીબી પાસાઓની ચકાસણી બાદ, કોર્ટે ગાંધીધામ જનરલ હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી આપી છે
આ મામલે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન જો બાળક જીવિત જન્મે (Live birth) તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવશે, તેવો નિર્દેશ કોર્ટે આપ્યો છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
