હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૭ ભાષાના જાણકાર અને હાઇપ્રોફાઇલ સોફટવેર એન્જિનિયર પતિએ આવક છુપાવીઃ વિસાવદર ફેમિલી કોર્ટના જજ પ્રેમ હંસરાજ સિંહે પત્નીને માસિક રૂા. ૩૦,૦૦૦ ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો
માસિક રૂા.૧.૫૦ લાખથી વધુ કમાણી કરતા અને ૧૭ ભાષાઓ ટ્રેનિગ આપતા પતિએ અદાલત સમક્ષ પોતાની સાચી આવક છુપાવવા ખોટા ફોર્મ રજૂ કર્યા હોવાનું ખુલ્લું પડતાં અદાલતે કડક વલણ અપનાવ્યું: અરજી ખર્ચના અલગથી રૂા.૧૦,૦૦૦ ચૂકવવા હુકમ

રાજકોટઃ વિસાવદર ફેમિલી કોર્ટના જજ દ્વારા પતિ-પત્ની વચ્ચેના ભરણપોષણ અંગેના એક અત્યંત મહત્વના કેસમાં પત્નીની અરજી અંશતઃ મંજૂર કરીને પતિને દર મહિને રૂા.૩૦,૦૦૦નું ભરણપોષણ અરજી દાખલ કર્યા તારીખથી ચડેચડ્યા વ્યાજ/રકમ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજી ખર્ચ પેટે અલગથી રૂા.૧૦,૦૦૦ ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. કેસની વિગત મુજબ, ૧૭ જેટલી વિવિધ વિદેશી ભાષાઓના જાણકાર અને આઈટી ક્ષેત્રના ઉચ્ચ શિક્ષિત પતિએ અદાલતમાં પોતાની ખરી આવક છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ફેમિલી કોર્ટે ગંભીરતાથી લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે.
કેસની વિગતવાર પૃષ્ઠભૂમિ અને દંપતી વચ્ચેનો વિવાદ
અમરગઢ (તા. મેંદરડા, જી. જૂનાગઢ)ના વતની કિજલબેનના લગ્ન તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા રક્ષિતભાઈ રમેશભાઈ ભટ્ટ સાથે થયા હતા. લગ્ન બાદ આ દંપતી પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખાતે રહેવા ગયું હતું. કિજલબેનનો આક્ષેપ હતો કે લગ્નના માત્ર ચાર જ મહિનામાં પતિનો સ્વભાવ અત્યંત કઠોર રહ્યો હતો અને નાની નાની વાતોમાં ઝઘડા કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ દ્વારા તેમનો મોબાઈલ ચેક કરવો, શંકા-કુશંકાઓ કરવી, ઘરમાં ગોંધી રાખવા અને બહાર જતી વખતે ઘરને તાળું મારીને જવું જેવા ત્રાસ ગુજારવામાં આવતા હતા.
તા. ૦૧/૦૭/૨૦૨૩ ના રોજ નજીવી બાબતમાં ઝઘડો કરીને કિજલબેનને રાત્રે ૧૦:૦૦ વાગ્યે પહેરેલે કપડે ઘર બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આથી લાચાર બનીને તેઓ પોતાના પિતા સાથે પિયર મેંદરડા પરત ફર્યા હતા. પતિ દ્વારા કોઈ સંભાળ ન લેવાતાં અને વિવાહિત જીવન આગળ ધપાવવું મુશ્કેલ બનતાં, કિજલબેને બી.એન.એસ.એસ. ની કલમ ૧૪૪ (જૂની ક્રિ.પ્રો.કો. કલમ ૧૨૫) અન્વયે ભરણપોષણ પેટે માસિક રૂા.૪૦,૦૦૦ મેળવવા વિસાવદર ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અદાલત સમક્ષ પતિની આવક અને લાયકાત અંગે થયેલી દલીલો
અરજદાર પત્ની તરફે રોકાયેલા વિદ્વતાપૂર્ણ વકીલશ્રી આર.એચ. ધમાણી દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પત્ની પક્ષે જણાવાયું હતું કે પતિ માસ્ટર ઓફ કમ્પ્યુટર એન્જિનિયરિંગની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તેઓ સ્નેપવર્ક ટેકનોલોજીસ અને થ્રાઇવ ડિજિટલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓમાં સિનિયર એન્જાિનિયર તરીકે કામ કરી ચૂક્યા છે અને વાર્ષિક રૂા.૨૮ લાખથી વધુનું પેકેજ ધરાવતા હતા.
વધુમાં, અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે પતિ ૧૭ જેટલી વિવિધ ભાષાઓ (જેવી કે ફ્રેન્ચ, જર્મન, રશિયન, જાપાનીઝ, ચાઇનીઝ વગેરે)ના નિષ્ણાત છે અને તેની ટ્રેનિંગ આપે છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વેબ ડેવલપમેન્ટ અને સોફટવેર ટ્રેનિગ આપીને માસિક રૂા.૧.૫ થી ૨ લાખની વધારાની આવક મેળવે છે. તેમણે અમદાવાદમાં રૂા.૪૯ લાખનું પોશ વિસ્તારનું ઘર પણ ખરીદ્યું હતું. ન્યૂઝ મીડિયા ચેનલ દ્વારા પત્રકાર હાર્દિક જોષી દ્વારા લેવાયેલા ઈન્ટરવ્યુમાં પણ તેમણે પોતે ૧૭ ભાષાઓ જાણતા હોવાની વિગત આપી હતી, જે યુટ્યુબ પર પણ ઉપલબ્ધ હતી.
બીજી તરફ સામાવાળા પતિ તરફે વિદ્વતાપૂર્ણ વકીલશ્રી એચ.એસ. હીરાણી દ્વારા બચાવ લેવામાં આવ્યો હતો કે અરજદાર પત્ની પોતે પણ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે, કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવે છે અને અગાઉ મામલતદાર કચેરીમાં નોકરી કરતી હોવાથી પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે. તેમજ પતિ ઉપર વૃદ્ધ નિવૃત્ત માતા-પિતા અને માનસિક રીતે વિકલાંગ નાના ભાઈની જવાબદારી હોવાથી તેઓ આટલી મોટી રકમ ચૂકવવા અસમર્થ છે.
સાચી આવક છુપાવવાનો પ્રયાસ ખુલ્લો પડ્યો
સમાચાર માધ્યમો સાથે સંકળાયેલા આ કેસની સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે સામાવાળા પતિએ પોતાની સાચી આવક કોર્ટ સમક્ષ રજૂ કરી ન હતી. ઉલટતપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે પતિએ પોતાના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અધૂરા રજૂ કર્યા હતા અને જીએસટી તથા આવક અંગેનું ફોર્મ-૨૪ નામનું બોગસ ફોર્મ રજૂ કરીને અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રક્ષિત અધિશા વર્લ્ડ LLP નામની કંપની પોતાના નામે રજિસ્ટર્ડ હોવા છતાં અને તેમાં વ્યવહારો થતા હોવા છતાં, કંપની બંધ થઈ ગઈ હોવાના ખોટા દાવો રજૂ કરાયા હતા.
અદાલતનું તારણ અને જજનો આદેશ
વિસાવદર ફેમિલી કોર્ટના જજ શ્રી પ્રેમ હંસરાજ સિહે બંને પક્ષોના પુરાવાઓ, લેખિત દલીલો અને સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ (જેવા કે રજનીશ વિ. નેહા)ને ધ્યાને લીધા હતા. અદાલતે નોંધ્યું હતું કે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ ૧૦૯ (જૂની કલમ ૧૦૬) મુજબ પતિની પોતાની સાચી આવક જાહેર કરવાની કાનૂની ફરજ હતી, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા છે અને પોતાની આવક છુપાવી રહ્યા છે.
જજ શ્રી એ કેસના તમામ પાસાઓની ગંભીરતાથી સમીક્ષા કરતા તારણ આપ્યું હતું કે સામાવાળા પતિ ઉચ્ચ શિક્ષિત છે, સોફટવેર એન્જિનિયર તરીકે મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે, ૧૭ વિદેશી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે, હૈદરાબાદ જેવા મેટ્રો સિટીમાં રહે છે અને પોતાની કાર તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ ધરાવે છે. આ તમામ બાબતો પરથી પતિની માસિક આવક અનુમાનિત રીતે રૂા.૧,૫૦,૦૦૦ કે તેથી વધુ હોવાનું અદાલતે ઠેરવ્યું હતું.
જજ શ્રીએ પોતાના આખરી હુકમમાં જણાવ્યું હતું કે, કિજલબેન શિક્ષિત હોવા છતાં હાલ તેમની પાસે કમાણીનું કોઈ સ્વતંત્ર સાધન નથી અને પતિએ તેમની ઉપેક્ષા કરી ભરણપોષણ ચૂકવવામાં બેદરકારી દાખવી છે. આથી, અદાલતે આદેશ કર્યો હતો કે
૧. સામાવાળા પતિએ અરજદાર પત્નીને અરજી દાખલ કર્યા તારીખ (૦૨/૦૮/૨૦૨૩) થી દર માસે ?૩૦,૦૦૦ (અંકે રૂપિયા ત્રીસ હજાર પૂરા) ભરણપોષણ પેટે નિયમિત રીતે ચૂકવવા.
૨. અરજી દાખલ કર્યા તારીખથી ચડેલી તમામ ભરણપોષણની રકમ આ હુકમની તારીખથી ત્રણ માસની અંદર ચૂકવી દેવી.
૩. આ ઉપરાંત, સામાવાળા પતિએ પત્નીને અરજીના ખર્ચ પેટે અલગથી રૂા.૧૦,૦૦૦ (અંકે રૂપિયા દસ હજાર પૂરા) ચૂકવી આપવા.
૪. નાણાં સીધા બેંક ખાતામાં જમા થઈ શકે તે માટે અરજદાર પત્નીને ૩૦ દિવસમાં બેંક એકાઉન્ટની વિગત પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યો છે.
વિસાવદર ખાતે ખુલ્લી અદાલતમાં ફેમિલી કોર્ટના જજ શ્રી પી. એચ. સિહ (પ્રેમ હંસરાજ સિંહ) દ્વારા આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
