<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ગુજરાત કેડરના ત્રણ સહિત ૨૦૦૮ ની બેચના સૌથી વધુ અધિકારીઓનો સમાવેશઃ ગૃહ મંત્રાલયની સમીક્ષા બાદ લેવાયો નિર્ણય

કેન્‍દ્ર સરકારનો મોટો નિર્ણયઃ આઈજી અને સમકક્ષ પદો માટે દેશભરના ૬૮ આઈપીએસ અધિકારીઓની પેનલ તૈયાર કરાઈ ગુજરાત કેડરના સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજૂલને કેન્‍દ્રની વિવિધ રાષ્ટ્રીય એજન્‍સીઓમાં મહત્ત્વની જવાબદારી મળી શકે છે

રાજકોટઃ કેન્‍દ્ર સરકારે સીઆરપીએફ, બીએસએફ અને સીબીઆઈ જેવી રાષ્ટ્રીય સુરક્ષા એજન્‍સીઓમાં આઈજી કક્ષાની જગ્‍યાઓ ભરવા માટે વિવિધ રાજ્‍યોના ૬૮ આઈપીએસ અધિકારીઓની પસંદગી કરી છે. જેમાં વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૮ ની બેચના અધિકારીઓ સામેલ છે અને તેમાં ગુજરાત કેડરના ૩ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

વિગતવાર જોઈએ તો કેન્‍દ્ર સરકાર દ્વારા પોલીસ પ્રશાસનમાં મહત્‍વનો ફેરફાર અને નિમણૂકો અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે. ડિપાર્ટમેન્‍ટ ઓફ પર્સોનેલ એન્‍ડ ટ્રેનિગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ કેન્‍દ્રમાં ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ (આઈજી) અથવા તેના સમકક્ષ પદ સંભાળવા માટે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) ના ૬૮ અધિકારીઓની પેનલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, આ નિર્ણય કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ અધિકારીઓના અગાઉના સેવા રેકોર્ડ, તેમના અનુભવ અને વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્‍યો છે. આ યાદીમાં ઓડિશા, બિહાર, ઝારખંડ, રાજસ્‍થાન, અગમટ, કેરળ, તમિલનાડુ, પંજાબ અને ગુજરાત સહિતની કેડરના દેશભરના અધિકારીઓ સામેલ છે.

આ યાદીમાં વર્ષ ૨૦૦૧, ૨૦૦૩, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૦૮ ની બેચના અધિકારીઓનો સમાવેશ થાય છે. આમાં નોંધનીય બાબત એ છે કે સૌથી વધુ અધિકારીઓ વર્ષ ૨૦૦૮ ની બેચમાંથી પસંદ કરવામાં આવ્‍યા છે.

રાજ્‍યવાર આંકડા જોઈએ તો, સૌથી વધુ ૯ અધિકારીઓ અગમટ કેડરના છે. ત્‍યારબાદ ઝારખંડના ૭, બિહારના ૬ અને ઓડિશાના ૪ અધિકારીઓને આ પેનલમાં સ્‍થાન મળ્‍યું છે. જમ્‍મુ અને કાશ્‍મીર યુનિયન ટેરિટરી કેડરમાંથી વિક્રમજીત સિહ, અબ્‍દુલ જબ્‍બાર, સારા રિઝવી અને તેજિન્‍દર સિહના નામ મંજૂર કરવામાં આવ્‍યા છે.

ગુજરાતની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૮ ની બેચના ત્રણ તેજસ્‍વી અધિકારીઓ સારા અફઝલ અહેમદ રિઝવી, શોભા પુરુષોત્તમ ભૂતડા અને પ્રદીપ ભીમરાવ શેજૂલનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ડિપાર્ટમેન્‍ટ ઓફ પર્સોનેલ એન્‍ડ ટ્રેનિગના આદેશ મુજબ આ પેનલને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે જેમાં પ્રારંભિક બાકી, પ્રારંભિક અને પ્રથમ સમીક્ષાનો સમાવેશ થાય છે. આ પેનલ બનવાથી આ તમામ ૬૮ આઈપીએસ અધિકારીઓને હવે સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્‍યોરિટી ફોર્સ (બીએસએફ), સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (સીબીઆઈ), નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (એનઆઈએ) અને ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરો (આઈબી) જેવી કેન્‍દ્રીય સંસ્‍થાઓમાં ઉચ્‍ચ કક્ષાના હોદ્દાઓ અને મહત્ત્વની જવાબદારીઓ માટે ધ્‍યાનમાં લેવામાં આવશે.(ધ સેક્રેટરીએટ ડોર ક્રોમ માંથી સાભાર) (૪૦.૪૩)

 

કઈ સંસ્‍થાઓમાં મળશે પોસ્‍ટિંગ?

ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલી આ પેનલના તમામ ૬૮ અધિકારીઓને દેશની સુરક્ષા માટેની સર્વોચ્‍ચ રાષ્ટ્રીય એજન્‍સીઓ જેવી કે સીઆરપીએફ, બીએસએફ, સીબીઆઈ, એનઆઈએ અને આઈબી માં મહત્‍વની જવાબદારી સાથેનું પોસ્‍ટિંગ આપવામાં આવશે.

 

 

ગુજરાતના ત્રણ અધિકારીઓ ઝળક્‍યા

ગુજરાત કેડરના વર્ષ ૨૦૦૮ ની બેચના ત્રણ આઈપીએસ અધિકારીઓ સારા અફઝલ અહેમદ રિઝવી, શોભા પુરુષોત્તમ ભૂતડા અને પ્રદીપ ભીમરાવ શેજૂલને કેન્‍દ્ર સરકારની આ પ્રતિષ્ઠિત આઈજી રેન્‍કની પેનલમાં ‘પ્રારંભિક' કેટેગરીમાં સ્‍થાન મળ્‍યું છે.

 

કઈ કેડરમાંથી કેટલા અધિકારીઓ?

આ ૬૮ અધિકારીઓની યાદીમાં સૌથી વધુ અગમટ કેડરમાંથી ૯ અધિકારીઓ છે. તે સિવાય ઝારખંડમાંથી ૭, બિહારમાંથી ૬ અને ઓડિશામાંથી ૪ અધિકારીઓને કેન્‍દ્ર સરકારે આઈજી રેન્‍ક માટે પસંદ કર્યા છે.

(4:17 PM IST)