News of Sunday, 27th September 2026
‘ધરતીનો સાદ - કિસાન સંવાદ’ હેઠળ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાના રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસનો ભાવનગરથી પ્રારંભ : પાલીતાણામાં ખેડૂત સંવાદ અને ‘મન કી બાત - પ્રાકૃતિક કૃષિ કે સાથ’ - કુંભણમાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત
કુંભણ ખાતે માનસિક દિવ્યાંગોના આશ્રમની મુલાકાત : ‘ભાવ કમલમ’ ખાતે સંગઠનાત્મક બેઠક અને ફરિયાદકા ગામ ખાતે લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ : ખેડૂત સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે તેના પ્રશ્નો અને અનુભવોને સંબંધિત સ્તરે રજૂ કરવા સંપર્ક અને અનુસરણને પ્રાથમિકતા: હિરેન હિરપરા

ગાંધીનગર તા.૨૭ : ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની અખબારી યાદી જણાવે છે કે, ‘ધરતીનો સાદ - કિસાન સંવાદ’ અંતર્ગત કિસાન મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાના રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસનો તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬, રવિવારે ભાવનગર જિલ્લાથી પ્રારંભ થયો. દિવસભરના પ્રવાસ દરમિયાન ખેડૂતો સાથે સીધો સંવાદ, પ્રાકૃતિક ખેતી, સામાજિક સંસ્થાની મુલાકાત જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત સંગઠનાત્મક આયોજન અનુસાર ભાવ કમલમ ખાતે સંગઠનાત્મક બેઠક અને, ફરિયાદકા ગામ ખાતે સરકારી યોજનાઓના લાભાર્થી સાથે સંપર્કના કાર્યક્રમોમાં શ્રી હીરપરા ભાગ લેશે.
પાલીતાણા ડેમ ખાતે લોકભારતી સંસ્થાના સહયોગથી ખેડૂતો સાથે સંવાદ કરતાં હિરેન હિરપરાએ કહ્યું કે, ખેડૂત સુધી સરકારની યોજનાઓ અને કૃષિ ક્ષેત્રની નવી પહેલોની માહિતી પહોંચાડવાની સાથે તેના ખેતર સુધી જઈ તેની વાત સાંભળવી પણ કિસાન મોરચાની મહત્વપૂર્ણ કામગીરી છે. ખેડૂતોના પ્રશ્નો, સૂચનો અને જમીન સ્તરના અનુભવોને સંગઠન સુધી પહોંચાડી તેના યોગ્ય અનુસરણ માટે કાર્યકર્તાઓએ સતત સંપર્ક જાળવવો જરૂરી છે. આ ઉપરાંત તેમણે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને નિવેદન કર્યું હતું.
પાલીતાણા ડેમ ખાતે લોકભારતી સંસ્થાના સહયોગથી યોજાયેલા ‘મન કી બાત - પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમમાં હિરેન હિરપરાએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ વધારવા ખેડૂતો સાથે સીધો સંવાદ અને તેમના પ્રત્યક્ષ અનુભવોની આપ-લે મહત્વપૂર્ણ છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સફળ અને વ્યવહારુ અનુભવો અન્ય ખેડૂતો સુધી પહોંચે તથા સ્થાનિક સ્તરે આ વિષય પર સતત સંવાદ થાય તે દિશામાં કિસાન મોરચો કાર્ય કરશે. અને જે ખેડૂતો રાસાયણિક ખાતરોનો અને જંતુનાશક દવાઓનો વધારે ઉપયોગ કરે છે, તેવા ખેડૂતોની સાથે પણ મોરચો વધુમાં વધુ સંવાદ કરશે.
કુંભણ ખાતે માનસિક દિવ્યાંગોના આશ્રમની મુલાકાત દરમિયાન હિરેન હિરપરાએ સંસ્થાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સમાજના વિશેષ કાળજી અને સંવેદનાની જરૂરિયાત ધરાવતા લોકોની સેવા કરતી સંસ્થાઓનું કાર્ય સમાજ માટે મહત્વપૂર્ણ છે. સેવા અને સામાજિક જવાબદારીની ભાવના આપણા જાહેર જીવનનું અભિન્ન અંગ છે, અને આવી સેવાભાવી સંસ્થાઓ સાથે સમાજનો સહયોગ અને સંવાદ સતત જળવાઈ રહેવો જોઈએ.
ત્યારબાદ કુંભણ ખાતે મનસુખભાઈ લાઠીયાના ફાર્મની મુલાકાત દરમિયાન હિરેન હિરપરાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અંગે વાત કરતી વખતે તેને ખેતરમાં અમલમાં મૂકનાર ખેડૂતનો પ્રત્યક્ષ અનુભવ સમજવો જરૂરી છે. ખેતીની પદ્ધતિ, ખર્ચ, ઉત્પાદન અને અમલ દરમિયાન આવતા પડકારો અંગે ખેડૂતો વચ્ચે અનુભવની આપ-લે થાય અને સફળ પ્રયોગોની જાણકારી વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે કિસાન મોરચો સંપર્કનું માધ્યમ બનશે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’ ખાતે હિરેન હિરપરા કિસાન મોરચાની સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેશે. આ પ્રવાસના અંતિમ તબક્કામાં હિરેન હિરપરા ફરિયાદકા ખાતે રામજી મંદિરમાં મહાઆરતી કરશે અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
અંતમાં હિરેન હિરપરાએ જણાવ્યું કે, ‘ધરતીનો સાદ - કિસાન સંવાદ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં સંગઠનાત્મક બેઠકો, ખેડૂત સંપર્ક, લાભાર્થી મુલાકાત, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વર્ગો સાથે સંવાદ યોજાશે. આ પ્રવાસ શૃંખલા દ્વારા પ્રદેશથી મંડળ અને ગામ સુધી સંગઠનને વધુ સક્રિય બનાવી ખેડૂતો સાથે જીવંત અને સતત સંપર્ક સ્થાપિત કરવામાં આવશે.તેમ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા પ્રદેશ મીડિયા સંયોજક કશ્યપ કોટેચાની યાદીમાં જણાવાયું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
