News of Thursday, 12th November 2026
GSRTC દ્વારા ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: એક જ દિવસમાં સૌથી વધુ ૧,૪૬,૮૭૫ સીટનું બુકિંગ: માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ ૯૯,૪૦૨ સીટોનું બુકિંગ
સતત 7માં વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જાયો: ભાઈ બીજે નિગમ દ્વારા કુલ રૂ. ૩.૫૫ કરોડની ડિજિટલ આવક નોંધાઈ, કુલ આવક ૧૩ કરોડથી વધુ થઈ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સાથે GSRTC એ સળંગ 7માં વર્ષે આ ગૌરવપૂર્ણ સ્થાન જાળવી રાખીને સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંતર્ગત તા. ૧૧ નવેમ્બરે ભાઈ બીજે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ દિવસે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧,૪૬,૮૭૫ સીટોનું બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. આ ઉપરાંત, માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ ૯૯,૪૦૨ સીટોનું બુકિંગ નોંધાયું છે, જે મુસાફરોમાં ડિજિટલ માધ્યમો પ્રત્યેનો વધતો વિશ્વાસ દર્શાવે છે.
ડિજિટલ બુકિંગની સાથે-સાથે આવકના મામલે પણ GSRTC એ નવો સીમાચિહ્ન સર કર્યો છે. આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ રૂ. ૩.૫૫ કરોડની ડિજિટલ આવક થઈ છે. આ આવકમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ. ૨.૨૭ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે. જ્યારે એક જ દિવસની કુલ આવક ૧૩ કરોડથી વધુ થઈ છે.
GSRTC ના આ અદ્ભુત પ્રદર્શનનો ઇતિહાસ જોઈએ તો, વર્ષ ૨૦૧૯ માં ૭૪,૩૬૮ સીટો અને રૂ. ૧,૫૩,૧૦,૭૧૭ ની આવકથી શરૂ થયેલી આ સફર ક્રમશઃ આગળ વધીને વર્ષ ૨૦૨૬ માં સર્વોચ્ચ શિખરે પહોંચી છે. ગત વર્ષોના આંકડા પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૨ માં ૧,૧૪,૮૮૦ સીટોની રૂ. ૨.૧૦ કરોડ, વર્ષ ૨૦૨૩ માં ૧,૩૨,૧૭૭ સીટો રૂ. ૨.૯૭ કરોડ, વર્ષ ૨૦૨૪ માં ૧,૪૧,૪૬૮ સીટો રૂ. ૩.૧૫ કરોડ અને વર્ષ ૨૦૨૫ માં ૧,૩૩,૦૪૩ સીટો રૂ. ૩.૧૯ કરોડનું બુકિંગ થયું હતું, જેને આ વર્ષે પાછળ છોડીને નવો વિક્રમ સ્થાપિત થયો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા બદલ નિગમના તમામ એસ.ટી. ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તહેવારોના આ અવસરે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના, મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજ બદલ તેમણે તમામ કર્મચારીઓનો વિશેષ આભાર પણ માન્યો છે.
દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગમાં 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું આ ગૌરવ ગુજરાત રાજ્યને મળ્યું છે. મુસાફરોને અત્યાધુનિક, સરળ અને પારદર્શક સુવિધાઓ પૂરી પાડવા માટે GSRTC કટિબદ્ધ છે અને આ સિદ્ધિ બદલ નિગમે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
