News of Monday, 29th June 2026
જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : છોટા ઉદેપુરમાં હેરણ નદી પર બનશે રાજ્યનો પ્રથમ રબર ડેમ
છોટાઉદેપુરના બોડેલીના રાજવાસણા ગામે હેરણ નદી પર રૂ 80 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ અત્યાધુનિક પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે :ટૂંક સમયમાં જ લોકાર્પિત થશે.

ગુજરાતના જળસંચય ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર રાજ્યનો પ્રથમ રબર ડેમ આકાર લઈ રહ્યો છે. અંદાજે રૂા. 80 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ અત્યાધુનિક પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ લોકાર્પિત થશે.
આ ડેમની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાયેલી દક્ષિણ કોરિયાની આધુનિક રબર બ્લેડર ટેકનોલોજી છે. ડેમની કુલ લંબાઈ 220 મીટર છે, જેમાં 180 મીટરના મુખ્ય ભાગમાં 60-60 મીટરના 3 સ્પાનમાં મજબૂત રબર બ્લેડર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમની મુખ્ય ખાસિયત એ છે કે તેના સ્પેશિયલ રબર બ્લેડરમાં માત્ર 30 મિનિટમાં હવા ભરી શકાય છે અને તેટલા જ સમયમાં તેને ખાલી પણ કરી શકાય છે.
આ ડેમ અત્યંત સ્માર્ટ ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં સાડા ત્રણ મીટર સુધી પાણીનું સ્ટોરેજ કરી શકાશે. જ્યારે નદીમાં પાણીનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતા વધી જશે, ત્યારે સેન્સર સિસ્ટમ દ્વારા વધારાનું પાણી ઓટોમેટિકલી વહી જશે. આ સિવાય, જરૂરિયાત મુજબ ઓપરેટરો દ્વારા માત્ર 30 મિનિટમાં હવાનું લેવલ વધારી કે ઘટાડીને પાણીના સ્ટોરેજને વ્યવસ્થિત રીતે જાળવી શકાશે, જેનાથી પાણીનો બચાવ થશે અને તેનો સદુપયોગ શક્ય બનશે.
રાજવાસણા રબર ડેમ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન સાબિત થશે. દાયકાઓથી પીવાના પાણી અને સિંચાઈ માટે સંઘર્ષ કરતા ખેડૂતોની સમસ્યાનો આ કાયમી ઉકેલ છે. આ પ્રોજેક્ટને કારણે હવે ખેડૂતો વર્ષમાં બેથી ત્રણ પાક સરળતાથી લઈ શકશે, જે તેમની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો લાવશે. આ સાથે જ, પૂરતા પાણીની ઉપલબ્ધતાને કારણે પશુપાલન વ્યવસાયને પણ મોટો વેગ મળશે.
ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલો આ નવતર પ્રયોગ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં એક નવી મિસાલ કાયમ કરશે. આ ડેમ માત્ર એક ઈજનેરી સિદ્ધિ નથી, પરંતુ તે સ્થાનિક ખેડૂતોના સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી સમાન છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
