હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના મોટા વરાછામાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની ઐતિહાસિક જાહેરાત : પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ
શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના મંચ પરથી કરાઈ મોટી ઘોષણા : હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ બન્યા મુખ્ય સ્વપ્નદ્રષ્ટા, જયંતિ એકલારાની સાથે મળી સંભાળશે જવાબદારી

સુરત તા.૧૬ : સુરતમાં લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે બીજા ખોડલધામના નિર્માણ અંગે આખરે મોટી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન પાટીદાર સમાજ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં હવે 'અન્નપૂર્ણા ખોડલધામ' નામથી એક ભવ્ય ધાર્મિક સંકુલનું નિર્માણ કરવામાં આવશે.
સુરતમાં બીજા ખોડલધામના નિર્માણ અંગેની સત્તાવાર જાહેરાત મોટા વરાછા ખાતે આયોજિત ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી. નવરાત્રિના રંગેચંગે ચાલી રહેલા કાર્યક્રમમાં હજારો ખેલૈયાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મંચ પરથી 'અન્નપૂર્ણા ખોડલધામ'ની ઘોષણા કરવામાં આવતાં જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.
અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની જાહેરાત સાથે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મુખ્ય અગ્રણીઓનાં નામ પણ સામે આવ્યાં છે. જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મુકેશ પટેલને આ ભવ્ય ધાર્મિક સંકુલના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેઓ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ આ પ્રોજેક્ટમાં જોડાયા છે.
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાના જણાવ્યા અનુસાર, આ નવા ધાર્મિક સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના વડીલો તથા વયોવૃદ્ધોની સુવિધા માટે ઉત્તમ સેવાકીય કાર્યો કરવાનો છે.
હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત મોટા વરાછા વિસ્તારમાં જમીનની વ્યવસ્થાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર થઈ રહી છે. અગાઉ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશ પટેલે પણ અંત્રોલી ખાતે જમીન અંગે સંકેત આપ્યા હતા. આગામી દિવસોમાં આ સંકુલની જમીન અને ભૂમિપૂજનને લગતી વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
