તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ગ્રેચ્યુટીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર: હવે 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો પણ મળશે આર્થિક લાભ? જાણો નવા લેબર કોડ્સની ખાસિયતો
ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે મોટી રાહત, જ્યારે કાયમી કર્મચારીઓ માટે હજુ પણ '5 વર્ષ'નો પેચ યથાવત: નોકરી બદલતા પહેલા સમજી લેજો આ નવું ગણિત

અમદાવાદ, તા.૦૭: નવા લેબર કોડ્સ (New Labour Codes) અમલી બનવાની સાથે જ કર્મચારીઓના પગાર અને ગ્રેચ્યુટીના માળખામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગ્રેચ્યુટી એટલે કે લાંબી સેવા બદલ કંપની તરફથી મળતી આર્થિક ભેટને લઈને અત્યાર સુધી એવો નિયમ હતો કે કોઈપણ કંપનીમાં સતત 5 વર્ષ પૂરા કરવા ફરજિયાત હતા. જોકે, નવા શ્રમ કાયદામાં ફિક્સ્ડ ટર્મ એટલે કે કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે આ નિયમમાં ધરખમ ફેરફાર કરીને તેને વધુ ઉદાર બનાવવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ, જે કર્મચારીઓ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ હેઠળ કામ કરે છે, તેમના માટે હવે 5 વર્ષની મર્યાદા દૂર કરવામાં આવી છે. આવા કર્મચારીઓ જો એક વર્ષની રેગ્યુલર સર્વિસ પૂરી કરે તો પણ તેઓ ગ્રેચ્યુટી મેળવવાને હકદાર બનશે. આ ફેરફારથી ખાસ કરીને કોન્ટ્રેક્ટ પર કામ કરતા લાખો યુવાનોને મોટો ફાયદો થશે, કારણ કે અગાઉ ટૂંકા ગાળાની નોકરીને કારણે તેઓ આ મોટા આર્થિક લાભથી વંચિત રહી જતા હતા.
કાયમી કર્મચારીઓ માટે શું છે સ્થિતિ?
જોકે, અહીં એક મહત્વની વાત એ છે કે આ 'એક વર્ષ'નો નિયમ કાયમી (Permanent) કર્મચારીઓ માટે લાગુ પડતો નથી. જેઓ રેગ્યુલર પેરોલ પર કાયમી ધોરણે કામ કરી રહ્યા છે, તેમણે ગ્રેચ્યુટી મેળવવા માટે હજુ પણ ઓછામાં ઓછી 5 વર્ષની સળંગ સેવા આપવી અનિવાર્ય છે. જો કોઈ કાયમી કર્મચારી 5 વર્ષ પૂરા કર્યા પહેલા રાજીનામું આપે છે, તો સામાન્ય સંજોગોમાં તેમને ગ્રેચ્યુટીની રકમ મળતી નથી. માત્ર કર્મચારીનું અવસાન થાય અથવા કાયમી વિકલાંગતા આવે તેવા ખાસ કિસ્સામાં જ આ 5 વર્ષની શરતમાં છૂટછાટ આપવામાં આવે છે.
સમજી વિચારીને લેજો કરિયરનો નિર્ણય
કરિયરના શરૂઆતના વર્ષોમાં કદાચ ગ્રેચ્યુટીની રકમ નાની લાગે, પરંતુ લાંબા ગાળે આ રકમ એક મજબૂત આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. નિષ્ણાતોના મતે, જો કોઈ કર્મચારીને નોકરીમાં 4 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો હોય, તો ગ્રેચ્યુટીનો લાભ લેવા માટે 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી રાહ જોવી આર્થિક રીતે વધુ સમજદારીભર્યું ગણાય. આમ, નવા લેબર કોડ્સના અમલ પછી તમારી નોકરીના પ્રકાર (કોન્ટ્રેક્ટ કે કાયમી) ના આધારે ગ્રેચ્યુટીના નિયમો અલગ-અલગ હોવાથી, નોકરી બદલતા પહેલા આર્થિક પાસાઓની પૂરી ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
