તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 18th November 2026
ઐતિહાસિક નગરી વડનગર ફરી શાસ્ત્રીય સંગીતના સૂરોથી ગુંજી ઉઠશે : કાલથી બે દિવસીય સંગીતનો મહાકુંભ ભવ્ય 'તાના-રીરી મહોત્સવ''
'તાના-રીરી મહોત્સવ'નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે:આ વર્ષે માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને પ્રતિષ્ઠિત 'તાના-રીરી એવોર્ડ'થી સન્માનિત કરાશે:દેશના નામાંકિત કલાકારો પોતાની સંગીત પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

ગુજરાતની કલા, સંસ્કૃતિ અને સંગીત વારસાને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત 'તાના-રીરી મહોત્સવ' આગામી 19 અને 20 નવેમ્બરના રોજ ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાવા જઈ રહ્યો છે. 19મી નવેમ્બરે સાંજે 6:30 કલાકે વડનગર સ્થિત તાનારીરી ગાર્ડન ખાતે આ બે દિવસીય ભવ્ય સંગીત મહોત્સવનો વિધિવત પ્રારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
સંગીત ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહિલા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી દર વર્ષે પ્રતિષ્ઠિત 'તાના-રીરી એવોર્ડ' એનાયત કરવામાં આવે છે. આ વર્ષના મહોત્સવમાં ખ્યાતનામ ગાયિકા માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને પ્રતિષ્ઠિત 'તાના-રીરી એવોર્ડ' આપીને વિશેષ સન્માનિત કરવામાં આવશે.
મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરે શાસ્ત્રીય સંગીતની અદભુત મહેફિલ જામશે. જેમાં યુવા અને પ્રતિભાશાળી ગાયિકા કુ. સૂર્યા ગાયત્રી તેમજ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ સહિતના દેશના નામાંકિત સંગીત દિગ્ગજો પોતાની અદભુત કલા અને સંગીતની પ્રસ્તુતિ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
સંગીત મહોત્સવના બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે પણ સુરોની સરવાણી વહેશે. આ દિવસે જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જયતીર્થ મેવુન્ડી, સિતાર વાદક પંડિત પૂર્વાયન ચેટરજી અને ભૌમિક શાહ દ્વારા શાસ્ત્રીય ગાયન અને વાદનની ભવ્ય રજૂઆત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સંગીતની આરાધનામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર વડનગરની બંને નાગર બહેનો તાના અને રીરીની અમર યાદમાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ ભવ્ય મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી, જે આજે વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
