<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કોળી સમાજની ઐતિહાસિક પહેલ ! ૧૫૦ વર્ષ જૂની પ્રથા બદલી અગ્નિસંસ્‍કાર કરાયા

મુંદરા તાલુકાના વાંકી ગામના કોળી સમાજ દ્વારા સામાજિક પરિવર્તન તરફ ડગ માંડીને એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી

અમદાવાદ તા.૩૧: મુંદરા તાલુકાના વાંકી ગામના કોળી સમાજ દ્વારા સામાજિક પરિવર્તન તરફ ડગ માંડીને એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સમાજમાં છેલ્‍લાં ૧૫૦ વર્ષથી ચાલી આવતી દફનવિધિની પરંપરાને બદલે હિન્‍દુ સનાતન ધર્મની શાષોક્‍ત વિધિ અનુસાર અગ્નિસંસ્‍કાર આપીને અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સામાજિક ક્રાંતિની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકી ગામના વતની સિધિક સામત કોલીનું ગત રાત્રિના અરસામાં દુઃખદ અવસાન થયું હતું. જે બાદ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ એકત્ર થઈને વર્ષો જૂની દફન પ્રક્રિયાના સ્‍થાને સનાતન પરંપરા મુજબ અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. ગામના સ્‍મશાન ખાતે વાંકી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ભરતસિહ જાડેજાના હસ્‍તે દિવંગતને શાષોક્‍ત મંત્રોચ્‍ચાર વચ્‍ચે અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો.

આ પરિવર્તન અંગે મુંદરા તાલુકા કોળી સમાજના પ્રમુખ મનજી કોળીએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, વાંકી ગામમાં લગભગ દોઢ સદી જૂની દફનવિધિની પ્રથાનો વિધિવત અંત આવ્‍યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આશરે દસ દિવસ અગાઉ તાલુકાના મોખા ગામે પણ આ જ રીતે કોળી સમાજના એક સદસ્‍યના અવસાન બાદ શાષોક્‍ત પદ્ધતિથી અગ્નિસંસ્‍કાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેને પગલે હવે અન્‍ય ગામોમાં પણ સમાજ સનાતન ધર્મના રીત-રિવાજો અપનાવવા તરફ આગળ વધી રહ્યો છે.

આ અંતિમયાત્રા અને મુખાગ્નિ વેળાએ વાંકી ગ્રામ પંચાયતના સદસ્‍ય રામજી કોળી, બાવલા ભચુ, દાવધ કોળી તેમજ વાંકી અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા અને સમાજની આ હકારાત્‍મક પહેલને આવકારી હતી

(3:23 PM IST)