<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગુજરાતમાં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય અને 'ઝીરો ટોલરન્સ' નીતિ : પાંચ વર્ષમાં ૧,૭૮૫ ચુકાદા, ૯૦૮ ને આજીવન કેદ અને ૧૬ નરાધમોને ફાંસીની સજા ફટકારાઈ : જુઓ વિડીયો

​કલોલમાં ચાર્જશીટના માત્ર ૭૨ કલાકમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો અપાયો : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ઉત્કૃષ્ટ તપાસ અને ઝડપી ન્યાય પ્રક્રિયા અંગે ખુલાસો

અશ્વિન વ્યાસ દ્વારા, ​ગાંધીનગર: ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ પરના જાતીય ગુનાઓ સામે કડક અને ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 'ઝીરો ટોલરન્સ' નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની 'ટોપ ટુ બોટમ' લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પોલીસની પદ્ધતિ ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર ૭૨ કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

​પાંચ વર્ષના આંકડા અને સજાની વિગત:
​રાજ્યમાં વર્ષ ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ ૧,૭૮૫ ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં ૯૦૮ ગુનેગારોને આજીવન કેદ અને ૧૬ નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

​અદાલતી ચુકાદાઓમાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે:
*​વર્ષ ૨૦૨૨: ૧૯૪ ચુકાદામાં ૧૦૭ આરોપીઓને આજીવન કેદ.
*​વર્ષ ૨૦૨૫: ૪૯૯ ચુકાદામાં ૩૪૦ આરોપીઓને આજીવન કેદ.
*​વર્ષ ૨૦૨૬ (પ્રથમ ૮ મહિના): ૩૪૬ ચુકાદામાં ૨૪૧ આરોપીઓને આજીવન કેદ અને ૦૨ ને ફાંસીની સજા.
*​ઓગસ્ટ ૨૦૨૬ (એક જ મહિનો): ૪૮ પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા, જેમાં ૩૫ ને આજીવન કેદ ફટકારાઈ.

​"દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા માટે કોઈ દયા નહીં" - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:
​નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે, જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર ૭૨ કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ન્યાયતંત્રના કડક અભિગમનું પરિણામ છે.”

​'સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય' નું ત્રિ-સૂત્ર: પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક
​રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું છે કે, આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતાની સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને તપાસ કરવામાં આવે છે. પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવા 'સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય' ના ત્રિ-સૂત્ર પર ફોકસ કરવામાં આવે છે. મોટાભાગના કેસોમાં ૪૫ દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે.

​છેલ્લા પાંચ વર્ષમાં ચાર્જશીટ કામગીરીના આંકડા:
*​૧ થી ૧૫ દિવસમાં ચાર્જશીટ: ૧૪૦ પોક્સો ગુનાઓમાં.
*​૧૬ થી ૩૦ દિવસમાં ચાર્જશીટ: ૧,૩૩૯ ગુનાઓમાં.
*​૩૧ થી ૪૫ દિવસમાં ચાર્જશીટ: ૫,૪૬૩ ગુનાઓમાં.

​રાજ્ય સરકારના સુદ્રઢ કાયદાકીય માળખા અને પોલીસ-પ્રોસિક્યુશનના સુમેળભર્યા સંકલનથી ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા વધુ મજબૂત બની છે અને ગુનેગારોમાં કાયદાનો ડર સ્થાપિત થયો છે.

(3:29 PM IST)