<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ભરૂચમાં 250થી વધુ વર્ષથી ઉજવાતા ઐતિહાસિક મેઘરાજાના મેળા અને લોકપ્રિય છડી ઉત્સવની બે છડીના પવિત્ર મિલન સાથે પૂર્ણાહુતિ

ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત આ ચાર દિવસીય છડી મહોત્સવમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા

ભરૂચ :મહર્ષિ ભૃગુની પાવન ભૂમિ ભરૂચ શહેર તેના પ્રાચીન અને પરંપરાગત તહેવારો માટે સમગ્ર ગુજરાતમાં અનોખી ઓળખ ધરાવે છે. ભરૂચ શહેરમાં છેલ્લા 250 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઉજવાતા ઐતિહાસિક મેઘરાજાના મેળા અને લોકપ્રિય છડી ઉત્સવની આજે રવિવારે બે છડીના પવિત્ર મિલન સાથે જ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત આ ચાર દિવસીય છડી મહોત્સવમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

 

ભરૂચના મોટો ભોઈવાડ, ખારવાવાડ તથા લાલબજાર સ્થિત વાલ્મિકી વાસમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરે દર વર્ષે શ્રાવણ વદ સાતમથી દશમ સુધી આ પાવન ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના જ્યોત સ્વરૂપે કરવામાં આવે છે, જે દશમ સુધી અખંડ રીતે પ્રજ્વલિત રહે છે. શનિવારે આવેલી 'છડી નોમ'નો દિવસ ઘોઘારાવ મહારાજનો પ્રાગટ્ય દિવસ હોવાથી ત્રણેય સમાજ દ્વારા વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

રવિવારે ઉત્સવના અંતિમ દિવસે ભરૂચના ભોઈવાડ સ્થિત ઘોઘારાવ મંદિરના ચોકમાં મેળો ભરાયો હતો. ઐતિહાસિક અને અવિસ્મરણીય એવી ત્રણ છડીઓ પૈકી બે છડીઓને અત્યંત કૌશલ્યપૂર્વક ઝૂલાવવામાં આવી હતી. આ દિવ્ય અને રોમાંચક નજારો નિહાળવા માટે સમગ્ર ચોક જનમેદનીથી મહેરામણ બની ગયું હતું. ત્યારબાદ વાલ્મિકી અને ખારવા સમાજ દ્વારા પણ પરંપરાગત રીતે બે છડીઓનું મિલન કરાવવામાં આવ્યું હતું. આ મિલન દ્રશ્ય સાથે જ ચાર દિવસીય લોકઉત્સવ શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.

(9:51 PM IST)