તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th April 2026
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : DCP રાજદીપસિંહ નકુમ અને PI આર.બી. ગોજીયા વિરુદ્ધ નીચલી અદાલતે નોંધેલો ગુનો રદ કર્યો
BNSS ની નવી કલમ ૨૨૩(૨) હેઠળ જાહેર સેવકનો પક્ષ સાંભળ્યા વગર સીધી કાર્યવાહી કરવી કાયદા વિરુદ્ધ : સુરત મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરી નવેસરથી પ્રક્રિયા કરવા હાઈકોર્ટનો આદેશ

રાજકોટ:ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ આર.બી. ગોજીયા વિરુદ્ધ નીચલી અદાલતે નોંધેલો ગુનો રદ કરવાનો આદેશ આપ્યો છે. નવા અમલી બનેલા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS) ની જોગવાઈઓનું અર્થઘટન કરતા અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ સરકારી અધિકારી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરતા પહેલા તેમના ઉપરી અધિકારીનો રિપોર્ટ મેળવવો અને સંબંધિત અધિકારીને સાંભળવા કાયદાકીય રીતે ફરજિયાત છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ અને નીચલી અદાલતનો આદેશ:
આ કેસની વિગત મુજબ, સુરતના કુખ્યાત આરોપી મનીષ કુકરી અને તેના સાગરીતોની હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન મનીષ કુકરીએ સુરત કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ કસ્ટડીમાં ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ (હાલ એસઓજી ડીસીપી) અને વરાછાના પૂર્વ પીઆઈ આર.બી. ગોજીયા સહિતના સ્ટાફે તેને ઢોર માર માર્યો હતો. આ આક્ષેપોને આધારે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫ અને ૫૪ મુજબ ગુનો નોંધી સમન્સ જારી કર્યા હતા.
હાઈકોર્ટમાં કાયદાકીય જંગ અને BNSS નું અર્થઘટન:
સુરત કોર્ટના આ આદેશને પડકારતા પોલીસ અધિકારીઓ દ્વારા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. અરજદારો તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન.ડી. નાણાવટીએ દલીલ કરી હતી કે, નીચલી અદાલતે BNSS ની કલમ ૨૨૩(૨) નું ઉલ્લંઘન કર્યું છે. કાયદા મુજબ, જ્યારે કોઈ જાહેર સેવક પોતાની સત્તાવાર ફરજ બજાવતો હોય, ત્યારે તેની વિરુદ્ધ સીધી રીતે ગુનાની નોંધ લઈ શકાય નહીં.
જસ્ટિસ ગીતા ગોપીનું સીમાચિહ્નરૂપ અવલોકન:
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગીતા ગોપીએ નોંધ્યું હતું કે, જૂની સી.આર.પી.સી. અને નવી BNSS વચ્ચે પાયાનો તફાવત છે. હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે:
મેજિસ્ટ્રેટે ગુનો નોંધતા પહેલા જે-તે અધિકારીના ઉપરી અધિકારી પાસેથી ઘટનાની સત્યતા અંગેનો રિપોર્ટ મંગાવવો જરૂરી હતો.
કાયદા મુજબ, જે-તે પોલીસ કર્મીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ, જે આ કિસ્સામાં આપવામાં આવી નહોતી.
હાઈકોર્ટે સુરત મેજિસ્ટ્રેટનો આદેશ સેટ એસાઈડ (રદ) કર્યો છે અને નવેસરથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે. આ ચુકાદાથી પોલીસ બેડામાં રાહતનો શ્વાસ લેવાયો છે, કારણ કે તે સ્પષ્ટ કરે છે કે ગુનેગારો દ્વારા પોલીસ પર કરવામાં આવતા આક્ષેપો સામે હવે નવા કાયદા હેઠળ સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
