<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ગુજરાતમાં ESIC યોજનાનો ઐતિહાસિક વિસ્તાર : રાજ્યના ૩૧ જિલ્લાઓમાં પૂર્ણ અમલ થશે : ૧.૨૦ કરોડ નાગરિકોને મળશે સુરક્ષા કવચ

રાજકોટમાં નવી ESIC SRO કચેરી મંજૂર થતાં સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના શ્રમિકોના કામ સ્થાનિક સ્તરે જ થશે : શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોજી પત્રકાર પરિષદ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ના વિસ્તરણ સંદર્ભે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ગુજરાતના ૧૬ આંશિક અમલીકૃત અને ૧૫ બિનઅમલીકૃત મળી કુલ ૩૧ જિલ્લાઓમાં ESIC યોજનાનો પૂર્ણ અમલ કરવામાં આવશે.

આ નિર્ણય અંતર્ગત અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદ સહિતના ૧૫ સંપૂર્ણ બિનઅમલીકૃત જિલ્લાઓ તેમજ અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર જેવા ૧૬ આંશિક અમલીકૃત જિલ્લાઓના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યના અંદાજે ૮ થી ૧૦ લાખ નવા શ્રમિકો ઉમેરાતાં નોંધાયેલા કામદારોની સંખ્યા ૩૨ લાખ સુધી પહોંચશે, જેનાથી તેમના પરિવારજનો મળી કુલ ૧.૨૦ કરોડ નાગરિકોને કેશલેસ સારવાર, માંદગી સહાય, પ્રસૂતિ લાભ અને અપંગતા સહાયનું સામાજિક સુરક્ષા કવચ મળશે.

તબીબી સુવિધાઓની વિગત આપતાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, રાજ્યમાં ૧૦૩ ESIS ડિસ્પેન્સરીઓ, ૧૧ ESIC/ESIS હોસ્પિટલો અને ૨૩૪ CHC-PHC એમ્પેનલ કરાયેલા છે. સાણંદ ખાતે ૩૫૦ બેડ અને કલોલ-ગાંધીનગર ખાતે ૧૫૦ બેડની હોસ્પિટલનું નિર્માણ પ્રગતિ હેઠળ છે, જ્યારે હાલોલ અને સાવલી ખાતે ૧૦૦-૧૦૦ બેડની હોસ્પિટલ માટે જમીન ફાળવણી અંતિમ તબક્કામાં છે. મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી હોસ્પિટલો માટે કેન્દ્રને ભલામણ મોકલાશે. અમદાવાદમાં ESIC મેડિકલ કોલેજ કાર્યરત છે અને સુરતમાં પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત, PM-JAY હેઠળની ૧,૧૨૭ સરકારી અને ૯૦૦ ખાનગી હોસ્પિટલો મારફતે પણ શ્રમિકોને કેશલેસ સારવાર મળશે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના શ્રમિકોના વહીવટી કામકાજ, યોગદાન અને ક્લેઈમની કામગીરી ઝડપી બનાવવા રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલય (SRO) ને મંજૂરી આપવામાં આવી છે. આ પરિષદમાં ESI કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઈન્સ્યોરન્સ કમિશનર રત્નેશ કુમાર ગૌતમ, રીજિનલ ડાયરેક્ટર હેમંતકુમાર પાંડે, ESI મેડીકલ સર્વિસના નિયામક ડૉ. મોનિકા પટેલ તથા રાજ્ય તબીબી અધિકારી ડૉ. વિજય ધાણક ઉપસ્થિત રહ્યા હતા.

(1:52 PM IST)