હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના કોઠ પાસે હીટ એન્ડ રન : દાતાર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર શિહોરી ગામના યુવકનું મોત
બાઈક ચાલક યુવક બાવળાથી નીકળીને શિહોરી તરફ જતો હતો ત્યારે અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. કોઠ પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા વાહને બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને મોકો જોઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ગાંગડથી કોઠ જવાના માર્ગ પર આવેલા દાતાર નજીક સર્જાયો હતો. એક બાઈક ચાલક યુવક બાવળાથી નીકળીને પોતાના ગામ શિહોરી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક ચાલક રોડ પર ફગવાઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મરણ જનાર યુવક બનાસકાંઠાના શિહોરી ગામનો વતની હતો.
ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. કોઠ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે ફરાર વાહન ચાલકને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
