<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ઓલપાડમાં ઓવરલોડિંગના નામે ડમ્પર ચાલક પાસેથી લાંચ માંગનાર પ્રજાજન હિતેશભાઈ કરશનભાઈ આહિર ૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો

અગાઉ ગૂગલ પે મારફતે ૩,૦૦૦ રૂપિયા પડાવી લીધા બાદ બાકીના ૫,૦૦૦ રૂપિયા લેવા વડોલી ગામે ફરિયાદીની વજનકાંટાની ઓફિસમાં આવેલા આરોપીને ટ્રેપિંગ અધિકારી પીઆઈ એસ.ડી. ધોબીની ટીમે દબોચી લઈ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી

સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડમ્પર ગાડીઓ રોકીને ઓવરલોડિંગના બહાને લાંચની માંગણી કરનાર એક ખાનગી વ્યક્તિને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે વડોલી ગામે સફળ ટ્રેપ કરીને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા પ્રજાજન હિતેશભાઈ કરશનભાઈ આહિરને ૫,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો.

ગૂગલ પે થી ૩,૦૦૦ લીધા બાદ બાકીના ૫,૦૦૦ લેતા પકડાયો:
આ ઘટનાની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકની ડમ્પર ગાડીઓ ઓલપાડ-કીમ રોડ ઉપર રેતી, કપચી તથા માટી ભરીને ઓર્ડર મુજબ ખાલી કરવા માટે અવરજવર કરતી હતી. આ દરમિયાન આરોપી હિતેશભાઈ કરશનભાઈ આહિરે ફરિયાદીની ગાડી રોકી હતી અને ગાડી ઓવરલોડિંગ હોવાનું જણાવી તેને જવા દેવાના અવેજ પેટે ૮,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે તે સમયે આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં ફરિયાદી પાસેથી ગૂગલ પે (Google Pay) મારફતે ૩,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, બાકી રહેતા ૫,૦૦૦ રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

વડોલી ગામે વજનકાંટાની ઓફિસમાં ગોઠવાયું છટકું:
ફરિયાદીની રજૂઆતના આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકા દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામે વડોલી વાંક ત્રણ રસ્તાથી હાંસોટ જતા રોડ ઉપર આવેલી ફરિયાદીની વજનકાંટાની ઓફિસમાં આરોપી હિતેશભાઈ કરશનભાઈ આહિર લાંચની રકમ લેવા આવ્યો હતો. તેણે ફરિયાદી પાસેથી બાકીના ૫,૦૦૦ રૂપિયાની માંગણી કરીને જેવી રકમ સ્વીકારી કે તરત જ ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે સ્થળ પર ત્રાટકીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી ૫,૦૦૦ રૂપિયાની રકમ રિકવર કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:55 PM IST)