તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની સુરક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક સંપન્ન : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરાઈ
રાજ્ય પોલીસવડા જી.એસ.મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક એક્શન પ્લાન ઘડાયો : હાથીઓના મોનિટરિંગ માટે ઇતિહાસમાં પ્રથમવાર ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ અને ટ્રક-અખાડાના સંચાલકો માટે ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન વપરાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : આગામી પવિત્ર અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ રથયાત્રા પૂર્વેની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ વહીવટી વિભાગોની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રથયાત્રા દરમિયાન સમગ્ર અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે તેમણે પોલીસ તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા આહવાન કર્યું હતું.
ટેકનોલોજી અને માનવબળના સમન્વયથી સુરક્ષા સંગીન કરાશે:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં રથયાત્રા બંદોબસ્તના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા તેમજ ઈમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપ્યા હતા. અધિકારીઓ દ્વારા રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સની મુલાકાત, સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ અને અસામાજિક તત્વો સામે કડક અટકાયતી પગલાં લેવા અંગેની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો અને રથયાત્રા સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
પ્રથમવાર હાઈટેક સોફ્ટવેર અને એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ થશે:
આ વર્ષે રથયાત્રાની સુરક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર, રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઈવ લોકેશન મોનીટરીંગ માટે ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત, યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના વેરિફિકેશન માટે ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે ‘PINAC’ સોફ્ટવેર સંચાલિત એઆઈ (AI) ફેસ રેકગ્નિશન સિસ્ટમ, આકાશી સુરક્ષા માટે એન્ટી-ડ્રોન ગન તથા જામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી (CCTV) કેમેરાના નેટવર્ક દ્વારા લાઈવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓની ઉપસ્થિતિ:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્ય પોલીસ વડા જી.એસ. માલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા તમામ અધિકારીઓએ રથયાત્રાની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
