News of Tuesday, 30th June 2026
૧.૨૭ કરોડના વિવાદમાં મોલ નજીક તલવારોથી ભયાનક હુમલો
ગાંધીનગરમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ વારંવાર શા માટે રૃપિયા માંગો છો, આજે જ તમારો હિસાબ પૂરો કરી દઈએ તેમ કહીને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો

ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા 'આરહા ફિટનેસ જીમ' બહાર સોમવારે મોડી રાત્રે થયેલી લોહિયાળ ગેંગવોર પાછળ સરકારી પદ અપાવવાના નામે થયેલું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશન (RTDC) માં ચેરમેન પદની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૃપિયા પાછા ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક હુમલામાં બે યુવકોને શરીરના ભાગે છરી અને ધારીયાના અસંખ્ય ઘા ઝીંકી દેવાતા ચકચાર મચી ગઈ છે. આ મામલે અમદાવાદના નવા નરોડાના રહીશ ઉત્સવ રોહિતકુમાર પટેલે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આ વિવાદની શરૃઆત એપ્રિલ ૨૦૨૫ માં થઈ હતી, જ્યારે આરોપી મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACL માંથી ડીલરશીપ અપાવવાનો ભરોસો આપી ફરિયાદીના પિતા પાસેથી ૧૫ લાખ રૃપિયા પડાવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાની મોટી વગ હોવાનો દાવો કરીને ઉત્સવના પિતાના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી હતી. આ પદ મેળવવા માટે મહેન્દ્રસિંહ અને તેના પુત્ર અભિમન્યુસિંહે એડવાન્સ પેટે ૫૦ લાખ રૃપિયાની માંગણી કરી હતી. જે નાણાં જાન્યુઆરી ૨૦૨૬ માં ચૂકવી દેવાયા હતા. આમ, કટકે-કટકે કુલ ૧ કરોડ ૧૦ લાખ રૃપિયા પડાવી લીધા બાદ પણ કોઈ કામ થયું નહોતું.
નાણાં ડૂબી જતાં બંને પક્ષો વચ્ચે અગાઉ કોબા સર્કલ ખાતે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત અને નાણાકીય લેતીદેતીનો કાયમી નિકાલ કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે આરોપી મહેન્દ્રસિંહને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સ્થિત પોતાના જીમ પર વાતચીત માટે બોલાવ્યા હતા. જ્યાં ફરિયાદી પક્ષ હાજર હતો તે જ સમયે મહેન્દ્રસિંહ અને તેનો પુત્ર અભિમન્યુસિંહ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બીજા ૧૦ જેટલા સશસ્ત્ર માણસોને ટુ-વ્હીલર પર લઈને ધસી આવ્યા હતા. આ ટોળાએ *વારંવાર શા માટે રૃપિયા માંગો છો, આજે જ તમારો હિસાબ પૂરો કરી દઈએ* તેમ કહીને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો.
હુમલાખોરોએ ક્રૂરતાની હદ વટાવી મહેન્દ્રસિંહે તીક્ષ્ણ છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા, જ્યારે અભિમન્યુસિંહે પીઠના ભાગે આખી છરી હુલાવી દેતા ભરતસિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. મિત્રને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી ઉત્સવ પટેલને પણ આરોપીઓએ પેટ અને હાથ-પગના ભાગે છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, ટોળામાં આવેલા અન્ય શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે ફરિયાદીની મોંઘીદાટ વોક્સવેગન કારના પણ કચ્ચરઘાણ વાળી દીધા હતા. બૂમાબૂમ થતાં સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલમાં ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ ચંદાવત અમદાવાદની કે.ડી. હોસ્પિટલના આઇસીયુ (ICU) માં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ૧૧ શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
