News of Saturday, 16th May 2026
છોટાઉદેપુરમાં કાળમુખી ટ્રકનો ભયાનક કહેર: વનાર-જામલા માર્ગ પર ડોલોમાઈટ ભરેલી ટ્રકે બાઈકને કચડી, બે આશાસ્પદ સગા મિત્રોના કરૂણ મોતથી પંથકમાં અરેરાટી
બેફામ ગતિએ દોડતા ખનીજ માફિયાઓના વાહનો સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ; અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

છોટાઉદેપુર: છોટાઉદેપુરના વનાર-જામલા માર્ગ પર મોતની ગતિએ દોડતી એક બેફામ ટ્રકે બે નિર્દોષ મિત્રોના જીવનની સફરનો બહુ જ કરૂણ અને કંપાવનારો અંત લાવી દીધો છે. કાછેલ ગામના બે આશાસ્પદ યુવાનો પોતાની મોટરસાયકલ પર સવાર થઈને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. આ કિસ્સો ફરી એકવાર જિલ્લામાં બેફામ દોડતા ભારે વાહનો અને વાહનચાલકોની ઘોર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કરી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઓવરસ્પીડે દોડતા ભારે વાહનો વધુ એકવાર નિર્દોષ લોકો માટે કાળ સાબિત થયા છે. વનાર-જામલા રોડ પાસે ડોલોમાઈટ પથ્થર ભરેલી એક ભારેભરખમ ટ્રક અત્યંત તેજ ગતિએ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર કાછેલ ગામના નિલેશ રાઠવા અને સંજય રાઠવા નામના બે મિત્રો એક મહિલા સાથે જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.
બે મિત્રોના ટૂંકી સારવારમાં મોત, મહિલા જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાતી
આ ભીષણ ટક્કરને કારણે બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાયા હતા. જેમાં નિલેશ રાઠવા અને સંજય રાઠવાની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં બંને યુવાનોએ ટૂંકી સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. જ્યારે તેમની સાથે રહેલી એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તે હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે લડત આપી રહી છે.
ખનીજ વહન કરતા વાહનો સામે ગ્રામજનોનો રોષ:
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પરિસરમાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું કે આ માર્ગ પર ડોલોમાઈટ અને અન્ય ખનીજો ભરીને ઓવરલોડેડ ટ્રકો દિવસ-રાત કોઈ પણ જાતના ડર વગર મોતની ઝડપે દોડે છે. તંત્રની ઢીલી નીતિને કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાય છે અને નિર્દોષો પોતાનો જીવ ગુમાવે છે.
પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદાનો સિંકજો કસ્યો
અકસ્માતની ગંભીરતાને જોતાં જ છોટાઉદેપુર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લઈને બંને મૃતક યુવાનોના જામલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કે બેદરકારી દાખવનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને વાહન જપ્ત કરવા માટે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
