<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શાકભાજીના ભાવમાં આસમાની-કૃત્રિમ ભાવ વધારાના લીધે ગૃહિણીઓ ત્રસ્‍ત

ગરીબોની કસ્‍તૂરી ડુંગળી ૬૦ રૂપિયે કિલો થઇ...!બટાકાના ભાવ પણ કૂદકો મારીને ૫૦ના દોઢ કિલોના બદલે ૫૦ના સવા કિલો થઇ ગયા...! : એક કિલો કોથમીર ૪૦૦થી ૫૦૦ સુધી પહોંચી ગઇ છે

અમદાવાદ,તા.૨૭: એક તરફ ચોમાસાએ શહેરીજનોને બાનમાં લીધાં છે, ત્‍યારે જીવનજરૂરિયાતની ચીજ વસ્‍તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં આસમાની અથવા તો કૃત્રિમ ભાવ વધારાના લીધે ગૃહિણી ત્રસ્‍ત થઇ ગઇ છે. હાલ  વરસાદના પગલે ગરીબોની કસ્‍તૂરી એવી ડુંગળીના ભાવમાં રોકેટ ગતિએ વધારો થયો છે. હજુ ૧૦-૧૫ દિવસ પહેલાં ૩૦થી ૪૦ રૂપિયે કિલો વેચાતી ડુંગળી વરસાદ પડતાંની સાથે જ ૬૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગઇ છે...! આ તરફ બટાકાના ભાવ પણ વધી ગયાં છે અને જે બટાકા ૫૦ રૂપિયાના દોઢ કિલો મળતાં હતાં, એ અત્‍યારે સવા કિલો જ મળે છે. એટલું જ નહીં લીલાં શાકભાજીને ભારે નુકસાનને પગલે શાકમાર્કેટમાં હાલ દરેક વસ્‍તુમાં નોંધપાત્ર ભાવવધારો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલ શાકભાજીના ભાવમાં સૌથી વધુ તીવ્ર વધારો નોંધાયો છે. જેમાં પણ ડુંગળીમાં જોરદાર ઉછાળો જોવા મળ્‍યો છે. જૂન-જુલાઈમાં ડુંગળીના ભાવમાં લગભગ ૨૫્રુનો વધારો થયો છે.  ખાસ કરીને હાલના પ્રતિકૂળ હવામાનના લીધે ડુંગળીની આવક પર ભારે અસર થઇ છે. વરસાદમાં ડુંગળી બગડી જવાનું પ્રમાણ વધી જતું હોવાથી વેપારીઓને પણ ડુંગળી ફેંકવાનો વારો આવતો હોવાની દલીલો કરવામાં આવી રહી છે. 

અલબત્ત, આ તરફ એપીએમસીની વેબસાઇટ્‍સ પર જુલાઇની ૧લી તારીખના અને ગઇકાલે શનિવારના ભાવની સરખામણી કરીએ તો હોલસેલના ભાવમાં કોઇ નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળતો નથી. પરંતુ છુટક ડુંગળીના વેપારીઓ દ્વારા સીધો ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્‍યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ છુટક વેપારીઓનો દાવો એવો છે કે હાલ ડુંગળીની આવક અડધી થઇ ગઇ હોવાથી માગ અને પુરવઠા વચ્‍ચે ખેંચ જોવા મળી રહી છે અને એની સીધી અસર ડુંગળીના છુટક ભાવ પર પડી રહી છે.

બીજી તરફ બટાકાના ભાવમાં પણ સામાન્‍ય જેવો વધારો થયો છે. ૩૦ રૂપિયે કિલો મળતાં બટાકાના ભાવ હાલ ૪૦ રૂપિયે કિલો થઇ ગયા છે. એવી જ રીતે લીલા શાકભાજી તો હાલ વરસાદના પગલે ખૂબ ઓછાં પ્રમાણમાં માર્કેટમાં જોવા મળી રહી છે અને એના ભાવ પણ વધ્‍યા હોવાનું દેખાય છે. હાલ માર્કેટમાં ભીંડાને છોડીને તમામ શાકભાજી ૧૨૦થી ૧૪૦ રૂપિયે કિલો વેચાઇ રહી છે. ભીંડા ૪૦થી ૫૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. મોટાભાગના લીલા શાકભાજી વરસાદમાં બગડી જવાથી હાલ ભાવવધારો થયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

ગૃહિણીના રસોડામાં કોથમીર જેવો લીલો મસાલો ન હોય તો ચાલે નહીં. ત્‍યારે હાલ કોથમીરના ભાવ ગૃહિણીઓને સૌથી વધુ દઝાડી રહ્યાં છે, કેમ કે ૧૦૦ ગ્રામ કોથમીરનો ભાવ ૪૦થી ૫૦ રૂપિયા સુધી પહોંચ્‍યો છે. એટલે કે એક કિલો કોથમીર ૪૦૦થી ૫૦૦ સુધી પહોંચી ગઇ છે. હદ તો એ છે કે લીલા મસાલાના વેપારીઓ માર્કેટમાં ખરીદી કરવા ગયેલી ગૃહિણીઓને ૧૦ રૂપિયાની કોથમીર આપવાનો ધરાર ઇનકાર કરી દે છે. ૨૫થી ૩૦ રૂપિયામાં ૫૦ ગ્રામથી ઓછી કોથમીર આપવા કોઇ વેપારી રાજી થતું નથી

(10:42 AM IST)