News of Monday, 29th June 2026
કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર લોકોના મકાનો તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે?:સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનું કડક વલણ
કોર્ટે પૂછ્યું કે પોલીસની હાજરી હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિ કેવી રીતે બની? ઘટનાના 16 દિવસ વીતી ગયા છતાં કાયદેસરની કાર્યવાહી કેમ નહીં ? કોર્ટે સવાલ કર્યો કે માત્ર ડિમાર્કેશનની કામગીરી માટે શું DCP કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવે છે?

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં સ્વીકાર્યું કે દબાણો તોડવા માટે કોઈ સત્તાધીશની લેખિત મંજૂરી લેવામાં આવી નહોતી. આ ખુલાસા બાદ હાઈકોર્ટે પોલીસ, કોર્પોરેશન અને અન્ય જવાબદાર અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર લોકોના મકાનો તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે?
હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરની કામગીરી અંગે ભારે નારાજગી વ્યક્ત કરી. કોર્ટે પૂછ્યું કે પોલીસની હાજરી હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિ કેવી રીતે બની? ઘટનાના 16 દિવસ વીતી ગયા છતાં કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? સાથે જ કોર્ટે સવાલ કર્યો કે માત્ર ડિમાર્કેશનની કામગીરી માટે શું DCP કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવે છે? સમગ્ર વ્યવસ્થાને લઈને હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે એક મહિનો વીતી ગયો છતાં સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું નથી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને પણ આડે હાથ લીધી હતી. કોર્ટે પૂછ્યું કે જ્યારે આટલા મોટા પાયે ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરી રહ્યા હતા? બીજી તરફ વીજ કંપનીએ કોર્ટમાં જણાવ્યું કે તેમને કોઈ લેખિત આદેશ મળ્યો નહોતો, માત્ર ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી. તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે 10થી 15 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને વીજ મીટરોને પણ નુકસાન થયું હતું.
હાઈકોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. કોર્ટે સંકેત આપ્યા છે કે જરૂર પડશે તો આ મામલે સ્વપ્રેરિત (સુઓમોટો) કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. હવે આ કેસની આગામી સુનાવણી 2 જુલાઈએ થશે, જેમાં સરકાર, પોલીસ અને કોર્પોરેશન તરફથી વધુ સ્પષ્ટતા રજૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યની નજર હવે આ મહત્વપૂર્ણ સુનાવણી પર ટકેલી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
