<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

નર્મદા જિલ્લામાં મોંઘવારીના માર વચ્ચે કેવી રહેશે આ વખતની દિવાળી?

તહેવાર પહેલા જ ખાદ્યતેલ, ઘી, ખાંડ અને મેંદાના ભાવમાં 15 થી 20% જેટલો વધારો નોંધાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે એક તરફ બજારોમાં રોશની અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ સામાન્ય માણસના મનમાં એક જ સવાલ છે - મોંઘવારી વચ્ચે દિવાળી કેવી રીતે ઉજવાશે?

તેલ, ઘી અને મીઠાઈના ભાવ આસમાને
આ વર્ષે તહેવાર પહેલા જ ખાદ્યતેલ, ઘી, ખાંડ અને મેંદાના ભાવમાં 15 થી 20% જેટલો વધારો નોંધાયો છે. મીઠાઈના વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે જે ઘી મોહનથાળ 500 રૂપિયે કિલો હતો, તે આ વર્ષે 650 રૂપિયે પહોંચ્યો છે.
મીઠાઈ ના વેપારીઓ જણાવે છે, "માલનો ભાવ વધ્યો છે એટલે નફો ઘટાડવો પડ્યો છે, પણ ગ્રાહકને વધારે ભાવ કહેતા ડર લાગે છે."
સોના-ચાંદીની ખરીદી પર અસર?
દિવાળીમાં સોના-ચાંદીની ખરીદીનું અનેરું મહત્વ છે. પરંતુ સોનાનો ભાવ 80,000 ને પાર પહોંચતા મધ્યમ વર્ગના લોકો હવે નાની ખરીદી તરફ વળ્યા છે. ઝવેરીઓના મતે આ વખતે વજનને બદલે ડિઝાઈન વાળી હળવી વસ્તુઓની માંગ વધુ રહેશે.
બજારમાં મિશ્ર માહોલ
કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને ફટાકડાના બજારમાં પણ મોંઘવારીની અસર દેખાઈ રહી છે. વેપારીઓને આશા છે કે છેલ્લા બે-ત્રણ દિવસમાં ખરીદીમાં તેજી આવશે.
સ્થાનિક ગૃહિણી પારૂલબેન કહે છે, "તહેવાર તો ઉજવવો જ પડશે, પણ આ વખતે બજેટ થોડું કાપવું પડશે. મોંઘું છે તો ઓછું લાવીશું, પણ દિવાળીનો આનંદ ઓછો નહીં થવા દઈએ."
નિષ્ણાતોનું શું માનવું છે?
બજારના નિષ્ણાતો માને છે કે મોંઘવારી હોવા છતાં લોકોની ખરીદીની ભાવના ઓછી થઈ નથી. લોકો મોંઘી વસ્તુને બદલે સસ્તા વિકલ્પ તરફ વળી રહ્યા છે. આ દિવાળી ભલે ખિસ્સા પર ભારે હોય, પણ ઉત્સાહમાં કોઈ કમી નહીં રહે

(10:28 PM IST)