News of Thursday, 7th May 2026
ગુજરાતમાં HPV રસીકરણ અભિયાનથી 5 લાખથી વધુ દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા કવચ મળ્યું, 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ : પ્રફુલ પાનશેરીયા
14 વર્ષની બાકી રહેલી તમામ દીકરીઓને મે મહિનાના અંત સુધીમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પરથી મફત રસી લેવા આરોગ્ય મંત્રીનો અનુરોધ; ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નહીં, રસી 100 ટકા સુરક્ષિત

ગાંધીનગર, તા. 7 : મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી ગુજરાતમાં ‘HPV રસીકરણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની પાંચ લાખથી વધુ દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતે નિર્ધારિત લક્ષ્યાંકના 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલું આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યું છે. આ રસીકરણ અભિયાનના કારણે ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી, જે સાબિત કરે છે કે આ રસી 100 ટકા સુરક્ષિત છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, તેમજ CHC, PHC અને UPHC કેન્દ્રો પર 14 વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી મફત ઉપલબ્ધ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્યના તમામ માતા-પિતાને અપીલ કરતા જણાવ્યું છે કે મે મહિનાના અંત સુધી ચાલનારા આ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી 14 વર્ષની વય ધરાવતી તમામ દીકરીઓએ વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી રસી લેવડાવી જોઈએ.
મંત્રીશ્રીએ સોશિયલ મીડિયા પર ફેલાતી વૈજ્ઞાનિક તથ્ય વગરની ભ્રામક અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું અને દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
