હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વસ્તી ગણતરીના આયોજન સામે શિક્ષકોમાં ભારે રોષ: સુરતમાં પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન
વહીવટી તંત્રની કામગીરીથી ઇંધણ અને સમયનો વ્યય, કામના સ્થળ ફાળવણીમાં પારદર્શિતા અને મહિલા શિક્ષકો માટે રાહતની મુખ્ય માંગણી

સુરત : આગામી 1 જૂનથી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને સુરતના શિક્ષકોમાં વ્યાપક અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોનો મુખ્ય આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા જે રીતે તાલીમ કેન્દ્રો અને કામગીરીના સ્થળોની ફાળવણી કરવામાં આવી છે, તે અત્યંત અગવડતાભરી છે.
દૂરના સ્થળોને લીધે શિક્ષકો પર વધારાનું ભારણ
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના સંગઠન મંત્રી ડો. દિનેશભાઈએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી માટે શિક્ષકોને તેમના નિવાસસ્થાન કે શાળાથી 20 કિલોમીટર સુધીના અંતરે આવેલા સ્થળો ફાળવવામાં આવ્યા છે. હાલના સમયમાં જ્યારે ઇંધણની અછત અને મોંઘવારી ચરમસીમાએ છે, ત્યારે શિક્ષકોનો સમય અને ઇંધણ બંને પાણીમાં જઈ રહ્યા છે. અગાઉ રજૂઆતો કરવા છતાં પણ તાલીમ કેન્દ્રો બદલવામાં ન આવતા શિક્ષકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ જોવા મળ્યો છે. લીંબાયત ઝોનના શિક્ષકોને વરાછા, સચિન અને રાંદેર મોકલવામાં આવતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહાસંઘની મહત્વની માંગણીઓ
શિક્ષકોએ પોતાની કામગીરી અને બાળકોના શિક્ષણના હિતમાં કેટલીક સ્પષ્ટ માંગણીઓ રજૂ કરી છે:
· નજીકના સ્થળની ફાળવણી: ઇંધણ અને સમયની બચત થાય તે માટે દરેક શિક્ષકને તેમના ઘર અથવા શાળાની નજીકના વિસ્તારોમાં જ કામગીરી સોંપવી જોઈએ.
· વિશેષ વર્ગ માટે મુક્તિ: સિંગલ મધર, ગર્ભવતી બહેનો, સ્તનપાન કરાવતી માતાઓ, વયોવૃદ્ધોની સારસંભાળ રાખતા શિક્ષકો અને ગંભીર બીમારીથી પીડાતા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ મળવી જોઈએ.
· શિક્ષણ પર અસર ન પડે તેવું આયોજન: નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોવાથી માત્ર 50% સ્ટાફને જ વસ્તી ગણતરીમાં લેવો જોઈએ, જેથી બાકીનો સ્ટાફ શાળાની પ્રવેશ પ્રક્રિયા અને અન્ય વહીવટી કામગીરી સંભાળી શકે.
· તકનીકી સહાય: સેન્સસ મોબાઈલ એપ માટે આધુનિક સ્માર્ટફોન ફરજિયાત હોવાથી, સરકારે જરૂરી ટેકનિકલ સુવિધાવાળા મોબાઈલ કે ટેબ્લેટ કર્મચારીઓને પૂરા પાડવા જોઈએ.
શિક્ષકોની સ્પષ્ટ માંગ છે કે વહીવટી તંત્ર તેમની મુશ્કેલીઓ સમજે અને વસ્તી ગણતરીનું આયોજન વધુ વ્યવહારુ અને શિક્ષકો માટે અનુકૂળ બનાવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
