<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

વડોદરાના ભાયલીમાં મહાકાય મગર ઘૂસતા ખળભળાટ

ઠાકોર ફળિયામાં લોકટોળા ઉમટ્યારહેણાંક વિસ્તાર વચ્ચે ૭ ફૂટથી વધુ લાંબો મગર રસ્તા પર આવી ચડતા ભયાનક દ્રશ્યો વચ્ચે વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ આ ઓપરેશન

વડોદરા : સંસ્કારી નગરી વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ઠાકોર ફળિયામાં આજે મંગળવારના રોજ સવારે એક વિશાળકાય મગર અચાનક ઘૂસી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. રહેણાંક વિસ્તારની મધ્યમાં રસ્તા પર જ આ મહાકાય વન્યજીવ નજરે પડતા સ્થાનિક રહીશોમાં એકતરફ ભારે ફાળ પડી હતી, તો બીજી તરફ આ ભયાનક દ્રશ્ય નિહાળવા માટે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

ઘટનાની વિગતો અનુસાર, ભાયલી વિસ્તારની નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું કુદરતી અડ્ડો ગણાય છે. ચોમાસાની ઋતુ હોય કે સામાન્ય દિવસો, નદીના પાણીના પ્રવાહમાં તણાઈને અથવા ખોરાકની શોધમાં ભટકતા-ભટકતા મગરો અવારનવાર માનવ વસવાટ તરફ આવી ચડતા હોય છે. આજે સવારે પણ આવો જ એક મહાકાય મગર ભાયલીના ઠાકોર ફળિયાના જાહેર રસ્તા પર આવી પહોંચ્યો હતો, જેના પગલે સ્થાનિકોમાં ક્ષણભર માટે ભયનું મોજું ફરી વળ્યું હતું.

બનાવની ગંભીરતા જોઈને સ્થાનિક રહીશોએ સાવચેતી દાખવી હતી અને કોઈ પણ અપ્રિય ઘટના કે જાનહાનિ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે વન વિભાગ તથા સ્થાનિક રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ સજ્જ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. ટીમે ભારે જહમત બાદ મગરને સફળતાપૂર્વક કાબૂમાં લઈ આબાદ રેસ્ક્યુ કરી લેતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા વિસ્તારોમાં અગાઉ પણ આવી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. વન વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુ કરાયેલા આ મગરનું પ્રાથમિક તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ મગર સંપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ સ્વસ્થ જણાતાં તેને માનવ વસવાટથી દૂર સલામત સ્થળે અથવા તેના કુદરતી આવાસમાં મુક્ત કરવાની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. વન વિભાગે નદીકાંઠાના રહીશોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

(10:43 PM IST)