News of Friday, 8th May 2026
ઉધના રેલવે સ્ટેશને ઉત્તર ભારતીયોની ભારે ભીડ:પશ્ચિમ રેલવેની તિજોરી છલકાઈ :એક મહિનામાં 10.10 કરોડ રૂપિયાની આવક
ઉધના રેલવે સ્ટેશન પરથી કુલ 4.17 લાખ મુસાફરોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું :ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો

સુરત :દક્ષિણ ગુજરાતનું મહત્વનું રેલવે હબ ગણાતું ઉધના રેલવે સ્ટેશન હાલ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. વેકેશન અને વતનમાં લગ્નગાળો હોવાને કારણે ઉત્તર ભારતીયોની ભારે ભીડને પગલે પશ્ચિમ રેલવેની તિજોરી છલકાઈ છે. માત્ર છેલ્લા એક મહિનાના ટૂંકા ગાળામાં રેલવેને ઉધના સ્ટેશનથી 10.10 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે.
છેલ્લા 30 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ઉધના રેલવે સ્ટેશન પરથી કુલ 4.17 લાખ મુસાફરોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. 19 એપ્રિલના રોજ તો સ્થિતિ એવી હતી કે માત્ર એક જ દિવસમાં 25,000 થી વધુ મુસાફરો ઉધના સ્ટેશનથી રવાના થયા હતા, જે રેલવેના ઈતિહાસમાં એક મોટો આંકડો માનવામાં આવે છે.
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા દોડાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનો આ વખતે ખૂબ જ સફળ રહી છે. રેલવેના આંકડા મુજબ કુલ 33 જેટલી સ્પેશિયલ ટ્રેનો મારફતે 3 લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરીનો લાભ લીધો હતો. આ સ્પેશિયલ ટ્રેનોને કારણે નિયમિત ટ્રેનો પરનું ભારણ ઘટ્યું છે અને રેલવેની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે.
વતનમાં પરત જનારા લોકોનો પ્રવાહ હજુ પણ અટક્યો નથી. ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે પણ ઉત્તર ભારત તરફ જવા ઈચ્છતા લોકોની કતારો જોવા મળે છે. મુસાફરોની આ સતત માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં પણ રેગ્યુલર ટ્રેનો ઉપરાંત વધારાની બે સ્પેશિયલ ટ્રેનો ઉધનાથી ઉત્તર ભારત માટે દોડાવવામાં આવી રહી છે. રેલવે તંત્ર દ્વારા સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
